દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીનો હુંકાર- તલવારો એમ જ નથી રાખી, જરુર પડે તો...'

ગુજરાતમાં 2027ની ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો વધ્યો છે, ત્યારે કોળી નેતા પરસોત્તમ સોલંકીએ ભાવનગરમાં હુંકાર કર્યો. તેમણે વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે તલવારો એમ જ નથી રાખી અને જરૂર પડ્યે ઉપયોગ પણ કરી છીએ, સમાજને સમર્થન આપવાની ખાતરી આપી.

By: Nilesh JethvaEdited By:Nilesh JethvaPublish Date: Mon, 23 Nov 2026 10:10 AM (IST)Updated: Mon, 23 Nov 2026 10:10 AM (IST)
bjp-leader-parshottam-solanki-made-an-aggressive-statement-in-bhavnagar
પરસોત્તમ સોલંકીનો હુંકાર

Bhavnagar News: ગુજરાતમા 2027 મા વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જોકે આ પહેલા જ કેટલાક નેતાઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે રાજકારણ ગરમાયું છે. તમને જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા ભાજપના દિગ્ગજ નેતા અને ધારાસભ્ય પબુભા માણેકે એક નિવેદન આપ્યું હતું જે બાદ રાજકીય માહોલ ગરમાઈ ગયો હતો. તેમણે કહ્યું હતું કે, ગુજરાતમાં કોળી સમાજનો મુખ્યમંત્રી હોવો જોઈએ. તેમના આ નિવેદનને કોળી સમાજના દિગ્ગજ નેતા પરસોત્તમ સોલંકીએ પણ યોગ્ય ગણાવ્યું હતું. તો હવે પરસોત્તમ સોલંકીએ તાજેતરમાં બીજુ નિવેદન આપ્યું છે જેની ચર્ચા પણ ખુબ થઈ રહી છે.

શું કહ્યું પરસોત્તમ સોલંકીએ ?

તમને જણાવી દઈએ કે, પરસોત્તમ સોલંકી કોળી સમાજના એક દિગ્ગજ નેતા છે. તેઓ પોતાના આક્રમક સ્વભાવ માટે પણ જાણીતા છે. રવિવાર 22 નવેમ્બરના રોજ ભાવનગરમાં એક સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો હતો. કોળી સમાજના આ સ્નેહમિલનમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન પરસોત્તમ સોલંકીએ કહ્યું કે, મને ઉપરવાળાએ ઘણું આપ્યું છે, હું અહીં કોઈ રુપિયા કમાવવા આવ્યો નથી. તેમણે પોતાના આગવા અંદાજમાં વિરોધીઓ પર પ્રહાર કરતા કહ્યું કે, આ તલવારો એમને એમ નથી રાખી. જ્યારે જરુર પડે ત્યારે ઉપયોગ પણ કરુ છું. હવે જેને જે સમજવું હોય તે સમજી લે.

આ સફેદ કપડા તો હું તમારા માટે પહેરુ છું- પરસોત્તમ સોલંકી

તેમણે આગળ કહ્યું કે, અત્યાર સુધીમાં આવી કોઈ સ્થિતિ નિર્માણ થઈ નથી અને જો થશે તો હું પાછી પાની નહીં કરુ. આ ઉપરાંત પરસોત્તમ સોલંકીએ પોતાના પહેરવેશ અંગે પણ કહ્યું કે, આ સફેદ કપડા તો હું તમારા માટે પહેરુ છું બાકી મારા જુના ફોટા જોઈ લેજો. તમને ક્યારેય કોઈ તકલીફ પડે તો મને કહેજો ભાઈ બેઠો છે, ખબર પણ નહીં પડે અને તમારા કામ થઈ જશે. મારા પર અનેક કેસ થયા છતા બધામાં હું નિર્દોષ છૂટી ગયો, હું ક્યારેય પકડાતો નથી. તેમણે એ વાતનો પણ ઉલ્લેખ કર્યો કે જાહેર જીવનમાં હોઈએ એટલે કેટલીક મર્યાદાઓ રાખવી પડે છે. નોંધનીય છે કે, પરસોત્તમ સોલંકીની ઘણા સમયથી તબિયત નાદુરસ્ત રહે છે. તેમ છતા તેમણે આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.