Bagdana controversy: બગદાણાના કાળી યુવક નવનીત બાલધિયા પર હિચકારા હુમલામાં લોક સાહિત્યકાર માયાભાઈ આહીરના પુત્ર જયરાજ વિરુદ્ધ પુરાવા મળતા તેની પણ ધરપકડ કરવામાં આવી છે. હાલ જયરાજ આહીર ભાવનગરની જેલમાં કેદ છે, ત્યારે ભોગ બનનાર નવનીત બાલધિયાએ ચોંકાવનારો ઘટસ્ફોટ કર્યો છે.
'તમારા પુત્રએ મારા પર હુમલો કરાવ્યો'- માયાભાઈને ફોન પર કહ્યું હતુ
નવનીત બાલધિયાએ જણાવ્યું કે, મારા પર હુમલો થયો તેના બે દિવસ બાદ મેં માયાભાઈ આહીરને ફોન કર્યો હતો. મારે તેમને કહેવું હતું કે, તમારા દીકરાએ મારા પર હુમલાનું કાવતરૂ રચ્યું છે. તમારા દીકરાએ મારા હાથ-પગ તોડી નાંખ્યા છે. જો કે માયાભાઈએ મારો ફોન નહતો ઉપાડ્યો.
જો કે ત્યાર બાદ માયાભાઈનો સામેથી મારા પર ફોન આવ્યો હતો. જેમાં મેં તેમને કહ્યું હતું કે, તમારા પુત્રએ મારા પર હુમલો કરાવ્યો છે. આથી માયાભાઈએ કહ્યું હતું કે, હું બહાર છું, પરત ફરું પછી આ મેટર પતાવી દીશુ.
થોડા દિવસમાં કેસ ચગ્યો અને તપાસ થઈ ત્યારે મારા બે-ત્રણ મિત્રો મારફતે કહેડાવ્યું કે, નવનીતભાઈને કહો કે, આ મામલો શાંત પાડી દે. જે કંઈ બાબત હશે, તે આપણે બેસીને સમાધાન કરી દઈશું.
સમાધાન માટે મારી પાસે કોઈએ આવવું જ નહીં
જો કે મારે એક દાખલો બેસાડવો હતો. આથી મેં સમાધાન નથી કર્યું. આ બાબતે મેં મારા સમાજને પણ જાણ કરી દીધી હતી કે, સમાધાન માટે મારી પાસે કોઈએ આવવું નહીં. મારી સાથે થયું તેવું બીજા કોઈ જોડે ના થાય તેવો સમાજમાં દાખલો બેસે અને આરોપીને કાયદાનું ભાન થાય તે માટે મારે સમાધાન કરવું જ નથી.
કોળી સમાજનું સંમેલન સરકાર વિરુદ્ધ નથી
કોળી સમાજના મહાસંમેલનનું આયોજન જયરાજ આહીરની ધરપકડ થઈ તે પહેલા જ નક્કી કરવામાં આવ્યું હતુ. આથી તેમાં અમે કોઈ સરકાર વિરુદ્ધ ભાષણ કે ઉશ્કેરણીજનક ટીકા-ટિપ્પણી કરવાના નથી. કોળી સમાજના આગેવાનોએ ફક્ત સરકારનો આભાર માનવા માટે આ ન્યાય સભાનું આયોજન કર્યું છે.
