Bhavnagar: બગદાણા આશ્રમના સેવક પર જીવલેણ હુમલાને લઈને કોળી સમાજમાં ભારે રોષને લઈને સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી હતી. આ કેસમાં ભોગ બનનાર નવનીત બાલધિયાએ પોતાના પર હુમલા પાછળ તળાજા ભાજપના યુવા પ્રમુખ જયરાજ આહીરનો હાથ હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ મામલે SIT દ્વારા લોકગાયક માયાભાઈ આહીરના પુત્ર જયરાજ આહીરને સમન્સ પાઠવીને પૂછપરછ માટે બોલાવીને ધરપકડ કરવામાં આવી હતી. હાલ જયરાજ આહીર ભાવનગરમાં જેલમાં કેદ છે, ત્યારે આજે ભોગ બનનાર નવનીત બાલધિયા ગાંધીનગર સ્થિત સ્વર્ણિમ સંકુલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને મળવા પહોંચ્યા હતા. આ સમયે ધારાસભ્ય હીરા સોલંકી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં નવનીત બાલધિયાએ બન્ને નેતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો.
કોળી સમાજ દ્વારા મહાસંમેલનની જાહેરાત કરવામાં આવી છે. જેને લઈને નવનીત બાલધિયાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 'ન્યાય સભા' નામે સંમેલન યોજવાની તારીખ પહેલાથી જ નક્કી હતી. સમાજના યુવાનો દ્વારા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે સમાજના આગેવાનો અને વડીલો મળીને યોગ્ય નિર્ણય લેશે.
વધુમાં નવનીત બાલધિયાએ જણાવ્યું કે, મને ઘણાં લાંબા સમયથી ન્યાય નહતો મળતો. આખરે હવે ન્યાય મળી ગયો છે, ત્યારે અમે સરકારનો આભાર માનવા માટે અહીં આવ્યા છીએ.
આ સમગ્ર કેસમાં હાલ તપાસ ચાલું છે. અત્યારે જે મુખ્ય આરોપી સુધી પહોંચ્યા, પરંતુ જો તેનાથી ઉપર કોઈ મોટા મગરમચ્છ હોય તો તેમના સુધી પહોંચીને પણ તપાસ કરવી જોઈએ.
