Bagdana controversy Case: બગદાણાના સરપંચ નવનીત બાલધીયા પર થયેલા હુમલા બાદ સૌરાષ્ટ્રનું રાજકારણ ગરમાયું છે. આ મામલે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ મીડિયા સાથે વાત કરતા પોલીસની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી છે. તેમણે સ્પષ્ટ આક્ષેપ કર્યો છે કે પોલીસ જે રીતે આ હુમલાને ખાણ-ખનીજની બાતમી સાથે જોડી રહી છે તે વાસ્તવિકતાથી તદ્દન અલગ છે.
સમગ્ર ઘટના શું છે?
સમગ્ર વિવાદની શરૂઆત મુંબઈમાં માયાભાઈ આહીરના એક કાર્યક્રમથી થઈ હતી. માયાભાઈએ બગદાણા આશ્રમના મેનેજિંગ ટ્રસ્ટી અંગે ખોટી માહિતી આપી હતી, જેની સુધારણા સરપંચ નવનીત બાલધીયાએ ટેલિફોનિક વાતચીતમાં કરી હતી. માયાભાઈએ પોતાની ભૂલ સ્વીકારી માફી પણ માંગી હતી. જોકે, હીરા સોલંકીના જણાવ્યા મુજબ, માયાભાઈના પુત્ર જયરાજ આહીરે નવનીતભાઈને ફોન કરીને "મારા બાપુજી પાસે શા માટે માફી મંગાવી?" તેમ કહી બબાલ કરી હતી અને તેમનું લોકેશન પૂછ્યું હતું.
આ પણ વાંચો
પોલીસની કામગીરી પર હીરા સોલંકીના સવાલો
પીડિત નવનીત બાલધીયાની મુલાકાત લીધા બાદ હીરા સોલંકીએ મહત્વના મુદ્દાઓ ઉઠાવ્યા છે:
- ખોટો દાવો: DySP રિવાબા ઝાલાએ હુમલા પાછળ ખાણ-ખનીજની અદાવત હોવાનું જણાવ્યું હતું, પરંતુ પીડિતે આવી કોઈ પણ બાતમી આપી હોવાનો ઇનકાર કર્યો છે.
- વીડિયો કોલની કડી: હુમલા સમયે હુમલાખોરો પળેપળની વિગત કોઈને વીડિયો કોલ દ્વારા આપી રહ્યા હતા. હીરા સોલંકીએ સવાલ કર્યો કે આ વીડિયો કોલ કોની સાથે ચાલતો હતો?
- આરોપીઓ પકડ બહાર: પીડિતના જણાવ્યા મુજબ, મુખ્ય હુમલાખોરો હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
PIની બદલી અને ગાંધીનગર કૂચ
કોળી સમાજના આક્રોશ અને હીરા સોલંકીની રજૂઆત બાદ તપાસ અધિકારી PI ડી.વી. ડાંગરની બદલી કરી દેવામાં આવી છે. હીરા સોલંકીએ જણાવ્યું કે, "ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી કહે જ છે કે કોઈ ચમરબંધીને છોડવામાં નહીં આવે." ન્યાય માટે હીરા સોલંકી અને પરશોત્તમ સોલંકી સોમવારે ગાંધીનગર જઈ સરકાર સમક્ષ ઉગ્ર રજૂઆત કરશે.
DySPએ હીરા સોલંકીને કર્યો ફોન
હીરા સોલંકીએ ખુલાસો કર્યો કે, DySP રિવાબા ઝાલાએ તેમને ફોન કરીને સમજાવવા પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે સ્પષ્ટ કહી દીધું કે પીડિતની વાત અને પોલીસની થિયરીમાં મોટો તફાવત છે, તેથી નિષ્પક્ષ તપાસ થવી જ જોઈએ.
