Bharuch Love Jihad Case: વડોદરા અને ભરૂચ જિલ્લા વચ્ચે એક ચકચારી કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ડૉક્ટર યુવતીને પ્રેમજાળમાં ફસાવીને પોલીસ સમક્ષ લગ્નનું નકલી સર્ટિફિકેટ રજૂ કરનાર આરોપી યુવકની પોલીસે ધરપકડ કરી છે. આ ગંભીર મામલે યુવતીના પરિવારે લવ જેહાદ અને બ્રેનવોશના આક્ષેપો કર્યા છે.
ઘરેથી સોનાનો હાર લઈને નીકળી ગઈ દીકરી
સમગ્ર ઘટનાની મળતી વિગતો અનુસાર, ભરૂચ જિલ્લાના જંબુસરની વતની અને BHMS થયેલી ડૉક્ટર યુવતી વડોદરાની એક હોસ્પિટલમાં નોકરી કરતી હતી. ગત 7 મેના રોજ આ યુવતીએ અચાનક પોતાના પરિવારને ફોન કરીને માહિતી આપી કે તેણે કોર્ટ મેરેજ કરી લીધા છે અને ત્યારબાદ તે ઘરેથી સોનાનો 6 તોલાનો હાર લઈને નીકળી ગઈ હતી.
તપાસમાં નકલી લગ્ન સર્ટિફિકેટનો ભાંડો ફૂટ્યો
ચિંતાતુર પરિવારે દીકરીની ઘણી શોધખોળ કરી, પરંતુ કોઈ પત્તો ન મળતાં આખરે ગોત્રી પોલીસ સ્ટેશનમાં તેના ગુમ થવાની નોંધ કરાવી હતી. ગુમનોંધના આધારે તપાસ કરી રહેલી પોલીસ સમક્ષ એક લગ્ન સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું, જે આરોપી યુવકના મામાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં સોંપ્યું હતું.
જોકે, આ સર્ટિફિકેટની ખરાઈ કરવા માટે જ્યારે વડોદરાના કુબેરભવન સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીમાં તપાસ હાથ ધરી, ત્યારે મોટો ખુલાસો થયો હતો. સબ રજિસ્ટ્રાર કચેરીએ લેખિતમાં પુષ્ટિ આપી કે તેમના રેકોર્ડ પર આવા કોઈ લગ્નની નોંધણી થઈ નથી અને આવું કોઈ સર્ટિફિકેટ ક્યારેય ઈશ્યુ કરવામાં આવ્યું નથી. આમ, પોલીસને ગુમરાહ કરવા માટે તદ્દન બોગસ અને બનાવટી લગ્ન સર્ટિફિકેટ રજૂ કર્યું હોવાનું સાબિત થયું હતું.
માતા-પિતાનું આક્રંદ અને લવ જેહાદનો આક્ષેપ
આ મામલે યુવતીના પિતાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ, યુવતીની માતાએ આક્ષેપ કર્યો કે, દીકરીને લવ જેહાદની જાળમાં ફસાવીને બ્રેનવોશ કરવામાં આવ્યું છે, અને તેને હેમખેમ પરત લાવવામાં આવે. આ ઉપરાંત, વિશ્વ હિન્દુ પરિષદે આ સમગ્ર પ્રકરણ અને બોગસ દસ્તાવેજોના રેકેટની સઘન તપાસ માટે SIT ની રચના કરવા વડાપ્રધાનને પત્ર લખી માંગણી કરી છે.
