Jambusar Fake Marriage Certificate Case: જંબુસર અને વડોદરાના ચકચારી બનાવટી મેરેજ સર્ટિફિકેટ અને કથિત લવ જેહાદના કેસમાં પોલીસે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. જંબુસરની 24 વર્ષીય ડૉક્ટર યુવતીને અન્ય ધર્મના યુવકે ભગાડી જવા અને બનાવટી લગ્ન પ્રમાણપત્ર તૈયાર કરવાના ગુનામાં સંડોવાયેલા વડોદરાના ભરતભાઈ રયજીભાઈ વણકરને પોલીસે ઝડપી પાડ્યો છે.
ગત 7 મેના રોજ જંબુસરની BHMS ડૉક્ટર યુવતી, જે વડોદરાની હોસ્પિટલમાં નોકરી કરતી હતી, તેણે પરિવારને અન્ય ધર્મના યુવક સાથે કોર્ટ મેરેજ કરી લીધા હોવાનું જણાવી ઘરેથી સોનાનો હાર લઈને નીકળી ગઈ હતી. લાંબી શોધખોળ બાદ પરિવારે ગોત્રી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની નોંધ કરાવી હતી.
આ દરમિયાન આરોપી યુવકના મામા દ્વારા જંબુસર પોલીસ સ્ટેશનમાં એક લગ્ન સર્ટિફિકેટ રજૂ કરવામાં આવ્યું હતું. જોકે, કુબેરભવન સ્થિત સબ રજિસ્ટ્રાર કચેરીએ લેખિતમાં પુષ્ટિ કરી હતી કે તેમના રેકોર્ડ પર આવા કોઈ લગ્નની નોંધણી થયેલી નથી અને આવું કોઈ સર્ટિફિકેટ ઈશ્યુ કરવામાં આવ્યું નથી.
આ છેતરપિંડી સામે આવતા યુવતીના પિતાએ જંબુસર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ કેસની તપાસ PSI કે.બી. રાઠવા દ્વારા હાથ ધરવામાં આવી હતી. અગાઉ કરજણના કિયા ગામના ફૈઝલ મજીદ દિવાન નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. પૂછપરછમાં મેરેજ નોંધણીની કાર્યવાહી માટે વડોદરાના ભરત વણકરનો સંપર્ક કરવામાં આવ્યો હોવાનું ખૂલ્યું હતું.
બાતમીના આધારે PSI કે. બી. રાઠવાની ટીમે વડોદરાના વાઘોડિયા રોડ પર આવેલા સિદ્ધેશ્વર હિલટોન વિસ્તારમાં દરોડા પાડી ભરતભાઈ વણકરને ઝડપી લીધા અને જંબુસર લાવી આગળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
બીજી તરફ, યુવતીની માતાએ આક્રંદ સાથે આક્ષેપ કર્યો છે કે તેમની દીકરીને લવ જેહાદની જાળમાં ફસાવી બ્રેનવોશ કરવામાં આવ્યું છે. આ ગંભીર પ્રકરણ અને બોગસ દસ્તાવેજોના રેકેટની સઘન તપાસ માટે વિશ્વ હિન્દુ પરિષદે વડાપ્રધાનને પત્ર લખી SIT ની રચના કરવાની માંગ કરી છે. પોલીસે હાલ બનાવટી સર્ટિફિકેટ તૈયાર કરવામાં કયા દસ્તાવેજો વપરાયા અને આ રેકેટમાં અન્ય કોણ સંડોવાયેલ છે તે અંગે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે.
