Bharuch News: જંબુસર તાલુકાના કાવી-કંબોઈ ખાતે આવેલું પવિત્ર સ્તંભેશ્વર મહાદેવ તીર્થ શેત્રે શ્રાવણ માસના પવિત્ર અવસરે ભક્તિમય માહોલમાં ન્હાઈ ગયું છે. દક્ષિણ ગુજરાતના 'મિની સોમનાથ' તરીકે જાણીતા આ તીર્થધામે આવનારા 25 જુલાઈ, શુક્રવારથી શરૂ થતા શ્રાવણ માસને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભોળાનાથના શ્રદ્ધાળુ ભક્તોમાં પણ અવિરત શ્રદ્ધા અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
સમુદ્રના જ્વાર સાથે તે દર્શન આપે છે
શ્રાવણ માસ દરમિયાન ભક્તો બિલિપત્ર, તુલસી, પુષ્પો અને કાળા તલથી મહાદેવની આરાધના કરે છે. કેટલાક ઉપવાસ કરીને અને એકટાણું ઉપસન કરીને શિવજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે. અહીંના શિવલિંગની વિશેષતા એ છે કે સમુદ્રના જ્વાર સાથે તે દર્શન આપે છે. મહીસાગર સંગમ પર સ્થિત આ તીર્થે દર્શન-પૂજન માટે ભક્તો ભારે સંખ્યામાં ઉમટે છે.
અનેક સુવિધાઓની વ્યવસ્થા તૈયારી કરવામાં આવી
સ્તંભેશ્વર મહાદેવ તીર્થના અધિષ્ઠાતા વિદ્યાનંદજી મહારાજ દ્વારા શ્રાવણ માસમાં શ્રદ્ધાળુઓને સરળ દર્શન અને આરામદાયક વ્યવસ્થા મળી રહે તે માટે વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા, પાણી-વિજળી તેમજ આરોગ્ય સેવાઓ જેવી અનેક સુવિધાઓની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી રહી છે.
ભગવાન શંકરના પુત્ર કાર્તિકેય સ્વામીએ સ્થાપિત આ શિવલિંગ માત્રના દર્શનથી ભક્તો જીવનની દરેક પ્રકારની દુઃખ-ક્લેશમાંથી મુક્તિ પામે છે તેવી માન્યતા છે. શ્રાવણ માસના પાવન અવસરે અહીં દર્શન કરવાથી અનંત પુણ્યની પ્રાપ્તિ થાય છે. એવી આસ્થાથી અહીં ભક્તોની ભીડ ઉમટતી હોય છે.
