Bharuch News: RTI એક્ટિવિસ્ટના નામે ખંડણી વસૂલતા કેતન સોરઠિયાની ધરપકડ, બ્લેકમેઇલિંગના રેકેટનો ચોંકાવનારો ઘટસ્ફોટ

ભરૂચ-વડોદરા નેશનલ હાઇવે પર RTI ના નામે ખંડણી વસૂલતા કેતન સોરઠિયાની ધરપકડ કરવામાં આવી છે. સાઇટ એન્જિનિયરને ધમકાવી હપ્તા માંગવાના આક્ષેપ સાથે પોલીસે તપાસ હાથ ધરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sat, 22 Aug 2026 03:26 PM (IST)Updated: Sat, 22 Aug 2026 03:26 PM (IST)
bharuch-rti-activist-ketan-sorathiya-extortion-blackmailing-arrest

Bharuch News: ભરૂચ-વડોદરા નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા લુણા ગામ નજીક બ્રિજના મેન્ટેનન્સ અને સર્વિસ રોડના કામકાજ દરમિયાન RTIના નામે તોડપાણી કરનાર સામાજિક કાર્યકર કેતન ધીરુભાઈ સોરઠીયાની ધરપકડ કરી લેવામાં આવી છે. RTI એક્ટિવિસ્ટના નામે ખંડણી વસૂલવાના આરોપી કેતન સોરઠિયાએ સાઈટ પર પહોંચીને ભારે હોબાળો મચાવ્યો હતો.

આરોપીએ સાઈટ એન્જિનિયર સાથે દાદાગીરી કરી

આરોપીએ સાઇટ એન્જિનિયર તથા જનરલ મેનેજર સાથે ગંદી ગાળાગાળી કરી, દાદાગીરી કરી ધમકી આપી હતી કે, "તમે કામ બરાબર કરતા નથી, તમારા શેઠને કહી દો કે આ કંપની બંધ કરાવી દઈશ." આટલેથી ના અટકતા, ઉપરાંત એવો પણ આક્ષેપ છે કે, કંપનીના ડાયરેક્ટર સાથે સેટિંગ કરવા દબાણ કરી નિયમિત હપ્તા અને નાણાં ચૂકવવાની ચોખ્ખી ધમકી પણ આપી હતી.

આરોપીની મોડેસ ઓપરેન્ડી

આરોપીની મોડેસ ઓપરેન્ડીની વાત કરીએ તો, તે સરકારી વિભાગોમા આરટીઆઈ કરતો હતો. ત્યારબાદ માહિતી મેળવીને સંબંધિત અધિકારી કે વેપારીને બદનામ કરવાની ધમકી આપતો હતો. મામલો સેટલ કરવા માટે તે ખંડણી માંગતો હતો. પોલીસ તપાસમાં આ રેકેટ સાથે સંકળાયેલા અન્ય લોકોની સંડોવણીની આશંકા છે.

પોલીસે આરોપીને જામીન પર મુક્ત કર્યો

ભરુચ શહેરમાં કેતન સોરઠિયા જેવા અન્ય 10થી 15 શખ્સોની ટોળકી સક્રિય છે, જે આરટીઆઈના નામે લાખો રુપિયા પડાવે છે. અગાઉ 25 જૂન 2025ના રોજ પણ કેતન સોરઠિયાએ RCC રોડના ટેન્ડર અંગે RTI કરી હતી, પરંતુ 14 જુલાઈ 2025ના રોજ અચાનક RTI પરત ખેંચી લીધી હતી. નબીપુરા પોલીસે સવારે પકડાયેલા આરોપીને માત્ર 4 કલાકમાં જ જામીન પર કેમ છોડ્યો? તે અંગે મોટો સવાલ ઉભો થયો છે.