Bharuch: ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં આવેલી મેટ્રોપોલિટન એક્સીમકેમ પ્રા. લિ. કંપનીમાં લાગેલી આગ બાદ શરૂ થયેલો વિવાદ હવે કાયદાકીય જંગમાં ફેરવાયો છે. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા ‘લાફા કાંડ’ બાદ આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે ઝઘડિયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે.
શું હતી સમગ્ર ઘટના?
ગત 23 એપ્રિલના રોજ મેટ્રોપોલિટન કંપનીમાં ભીષણ આગ લાગી હતી, જેમાં 14 કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા અને બે કામદારોએ જીવ ગુમાવ્યા હતા. 27 એપ્રિલે ધારાસભ્ય ચૈતર વસાવા મૃતક કામદારોના પરિવારોને યોગ્ય વળતર અપાવવા માટે સમર્થકો સાથે કંપની પરિસરમાં પહોંચ્યા હતા. આ દરમિયાન ઉગ્ર બોલાચાલી થઈ હતી અને ધારાસભ્યએ મૃતકના સંબંધીને લાફો માર્યો હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
પોલીસ કાર્યવાહી અને FIR
ઝઘડિયા પોલીસે આ ઘટનાના પગલે ચૈતર વસાવા વિરુદ્ધ ટ્રેસપાસિંગ (અનધિકૃત પ્રવેશ), મારામારી અને ધાકધમકી, અશાંતિ ફેલાવવાના પ્રયાસ સહિતના ગંભીર ગુનાઓ હેઠળ FIR નોંધી છે. ગૃહ મંત્રાલયની વેબસાઇટ પર આ ફરિયાદોને 'સંવેદનશીલ' શ્રેણીમાં રાખવામાં આવી છે. જોકે, પોલીસ તંત્ર તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી નથી.
ચૈતર વસાવાનો વળતો પ્રહાર
પોતાની વિરુદ્ધ ફરિયાદ નોંધાયા બાદ ચૈતર વસાવાએ વીડિયો સંદેશ દ્વારા આક્રમક પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું હતું કે, "કંપનીમાં આટલી મોટી હોનારત થઈ હોવા છતાં તંત્રએ કંપની વિરુદ્ધ કોઈ પગલાં લીધા નથી. અમે ગરીબ કામદારોના ન્યાય માટે ગયા હતા, છતાં અમારા પર જ ખોટી ફરિયાદો કરવામાં આવી છે. અમે જેલ જવા તૈયાર છીએ, પણ શ્રમિકોને ન્યાય અપાવ્યા વગર જંપવાના નથી.
કંપનીની સ્પષ્ટતા
બીજી તરફ, કંપનીના એમ.ડી. રાજીવ નગીનદાસ શેઠે જણાવ્યું છે કે, કંપની માનવીય અભિગમ અપનાવી રહી છે. તમામ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ કંપની ઉઠાવી રહી છે અને કામદારો સાજા ન થાય ત્યાં સુધી તમામ મદદ ચાલુ રહેશે.
હાલમાં આ મામલે ઝઘડિયા પંથકમાં રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે અને ચૈતર વસાવાની ધરપકડની અટકળો તેજ બની છે.
