Bharuch: વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં ન્યૂઝીલેન્ડમાં નોકરી અપાવવાના બહાને ભરૂચના યુવક સાથે 21 લાખ રૂપિયાની છેતરપિંડી થયાનો કિસ્સો સામે આવ્યો છે. આ મામલે માંજલપુર પોલીસે મહિલા સહિત ચાર આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
ભરૂચના 27 વર્ષીય હર્ષ પંડ્યાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેઓ દહેજની એક કંપનીમાં નોકરી કરે છે. 2 જાન્યુઆરી 2024ના રોજ ઇન્સ્ટાગ્રામ પર ન્યૂઝીલેન્ડમાં નોકરીની જાહેરાત જોઈ હતી. આ જાહેરાત શિવાની જોશી નામની મહિલાએ મૂકી હતી, જે વાઈટ સ્ક્વેર ઇન્ટરનેશનલ, માંજલપુર સાથે સંકળાયેલી હોવાનું જણાવ્યું હતું. હર્ષે સંપર્ક કરતાં ડોક્યુમેન્ટ્સ અને બાયોડેટા માંગવામાં આવ્યા, જે તેમણે મોકલી આપ્યા.
જે બાદમાં ન્યૂઝીલેન્ડમાં નિખીલ ઠક્કરની બર્ગર શોપમાં ‘કિચન હેન્ડ’ તરીકે નોકરીની ઓફર આપતાં 30 લાખ ખર્ચ જણાવાયો હતો. 5 જાન્યુઆરીએ ઝૂમ એપ મારફતે ઓનલાઇન ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું, જેમાં વિનીત શાહ પણ હાજર રહ્યા હતા. ઇન્ટરવ્યુ બાદ સિલેક્શન થયાનું જણાવી 18 જાન્યુઆરીએ 10 લાખ રૂપિયા રોકડા લેવામાં આવ્યા.
જે બાદ અલગ-અલગ હપ્તામાં 2 લાખ અને 8 લાખ રૂપિયા ઓનલાઇન ટ્રાન્સફર કરાવવામાં આવ્યા. જ્યારે બાકીના 10 લાખમાંથી 3 લાખ રોકડા અને 2 લાખ RTGS મારફતે ચૂકવાયા. આમ કુલ 25 લાખ રૂપિયા ચૂકવાયા હતા. જ્યારે ટિકિટનો ખર્ચ હર્ષે પોતાના ખિસ્સેથી કર્યો હતો.
હર્ષ મુંબઈથી ન્યૂઝીલેન્ડ જવા નીકળ્યા હતા, પરંતુ સિંગાપુર એરપોર્ટ પર ઇમિગ્રેશન લેટર નકલી હોવાનું સામે આવ્યું. ઓકલેન્ડ એમ્બેસીમાંથી ફોન પર જાણ કરવામાં આવી કે ડોક્યુમેન્ટ્સ ફેક છે અને ભારત પરત ફરવું પડશે. 25 લાખમાંથી માત્ર 4 લાખ પરત મળ્યા, જ્યારે 21 લાખ રૂપિયા પરત ન કરતાં હર્ષે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ મામલે પોલીસે શિવાની જોશી, વિનીત શાહ, નીખીલ ઠક્કર અને અંકિત રબારી સામે છેતરપિંડીનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
