ભરૂચમાં લોકશાહીનો મહાપર્વઃ સ્થાનિક ચૂંટણીમાં મતદારોનો ઉમળકો, મીણબત્તીના અજવાળે ઉત્સાહભેર મતદાન કર્યું

ભરુચ પાલિકાના વોર્ડ 2માં બે બૂથ પર ચાલુ મતદાન દરમિયાન EVM ખોટકાતા અડધા કલાક જેટલી પ્રક્રિયા ઠપ્પ રહી હતી, જેના કારણે ગરમીમાં રાહ જોઈને ઉભા રહેલા મતદારોમાં રોષે ભરાયા.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 26 Apr 2026 03:23 PM (IST)Updated: Sun, 26 Apr 2026 03:23 PM (IST)
bharuch-news-long-queues-power-cuts-and-evm-glitches-amid-high-voter-turnout
HIGHLIGHTS
  • તકનીકી ખામીના કારણે મતદાન પર અસર થતી હોવાના ઉમેદવારોના આક્ષેપો

Bharuch: ગુજરાતમાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે સવારથી જ મતદાન મથકો પર લાંબી કતારો જોવા મળી રહી છે, જે જનતાની જાગૃતિ અને લોકશાહી પ્રત્યેની શ્રદ્ધા દર્શાવે છે. જો કે આ પર્વમાં ક્યાંક અંધકારે વિઘ્ન નાખ્યું તો ક્યાંક તકનીકી ખામીઓએ મતદારોની ધીરજની કસોટી કરી હતી. આમ છતાં મતદારોના ઉત્સાહ સામે તમામ પડકારો વામણા સાબિત થયા હતા.

વીજળી ગુલ થઈ પણ લોકશાહીનો ઉજાસ ફેલાયો

ભરૂચ જિલ્લામાં મતદાન ચાલુ હતું, ત્યારે અચાનક વીજ પુરવઠો ખોરવાતા આખા મતદાન મથક પર અંધારપટ છવાઈ ગયો હતો. સામાન્ય સંજોગોમાં મતદાન અટકી જતું હોય છે, પરંતુ અહીં મતદારો અને ચૂંટણી સ્ટાફે પીછેહઠ કરી નહીં. અંધારાને માત આપવા મીણબત્તીઓ પ્રગટાવવામાં આવી હતી. મીણબત્તીના ઝાંખા અજવાળે પણ એક-એક મતે લોકશાહીના પાયા મજબૂત કર્યા હતા.

EVM ખોટકાતા હોબાળો: ઉમેદવારોના આક્ષેપ

ભરૂચ પાલિકાના વોર્ડ નં. 2માં આવેલી છીપવાડ સ્કૂલ અને અંજુમન સ્કૂલના બૂથ પર તકનીકી ખામી સર્જાઈ હતી. અહીં ચાલુ મતદાન દરમિયાન EVM ખોટકાતા 30 થી 40 મિનિટ સુધી પ્રક્રિયા ઠપ્પ થઈ ગઈ હતી. આ વિલંબને કારણે ગરમીમાં ઉભેલા મતદારોમાં રોષ જોવા મળ્યો હતો. સ્થાનિક ઉમેદવારોએ આ મામલે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, આવી ખામીઓને કારણે મતદાનની ટકાવારી પર અસર પડી શકે છે અને તંત્રએ આ માટે અગાઉથી સજ્જ રહેવું જોઈતું હતું.

પડકારો અને જનતાનો જોમ
માત્ર ભરૂચ જ નહીં, જામનગરમાં પણ મશીનરીમાં ખામીને કારણે મતદાન મોડું શરૂ થયું હોવાના અહેવાલ છે. ઉનાળાની કાળઝાળ ગરમી અને વહીવટી તંત્રની નાની-મોટી ક્ષતિઓ વચ્ચે પણ મતદારોનો મિજાજ જોવા જેવો હતો. 18 વર્ષના નવયુવાનથી લઈને 90 વર્ષના વૃદ્ધો સુધીના સૌ કોઈ સહાયકના ટેકે પણ મતદાન કરવા પહોંચ્યા હતા.

આજની આ ચૂંટણી પ્રક્રિયા એ સાબિત કરે છે કે, લોકશાહીમાં 'મત' ની શક્તિ સૌથી ઉપર છે. તકનીકી અડચણો, અંધારું કે ગરમી—કંઈ પણ જનતાના મતાધિકારના જોશને રોકી શક્યું નથી.

વહીવટી તંત્ર દ્વારા છૂટાછવાયા બનાવોને બાદ કરતાં સમગ્ર રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તેવા પ્રયાસો કરવામાં આવ્યા છે. સાંજે જ્યારે મતના ડબ્બા સીલ થશે, ત્યારે જનતાનો આ ઉત્સાહ કોનું ભાવિ નક્કી કરશે તે જોવું રહ્યું.