Bharuch News: ઝઘડિયાની ધરતી પર મહેશ વસાવા પર ચૈતર વસાવાના પ્રહાર, જે પોતાના પિતાના ન થયા એ બીજાના શું થશે?

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અહીં શિક્ષણનું સ્તર અહીંયા કથળી ગયું છે, સિંચાઈનું પાણી નથી મળતું, આ સિવાય રોજગારી અને આરોગ્ય જેવી બાબતોને લઇને પણ સ્થાનિકોમાં રોષ અને આક્રોશ છે.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Sun, 08 Feb 2026 06:45 PM (IST)Updated: Sun, 08 Feb 2026 06:45 PM (IST)
bharuch-news-chaitar-vasava-targets-mahesh-vasava-at-jhagdiya-parivatan-sabha

Bharuch News: AAP ધારાસભ્ય ચૈતર વસાવાની ઉપસ્થિતિમાં ઝઘડીયા ખાતે વિશાળ "પરિવર્તન સભા" યોજાઈ હતી. આ સભામાં મોટી સંખ્યામાં લોકોએ હાજરી આપી હતી અને પરિવર્તનના સંકેત આપ્યા હતા. આ કાર્યક્રમ દરમિયાન ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, આજે બલેશ્વર ઝઘડીયા વિધાનસભામાં આમ આદમી પાર્ટીની પરિવર્તન સભા હતી અને આ સભામાં ભાજપ કોંગ્રેસ, બીટીપી સહિત સામાજિક સંગઠનો અનેક આગેવાનો, નિવૃત્ત અધિકારીઓ અને કાર્યકર્તાઓ AAPમાં જોડાયા છે એ તમામનું હું સ્વાગત કરું છું. અગાઉ કોંગ્રેસનું શાસન હતું ત્યારે પણ આ વિસ્તારમાં અલગ અલગ પ્રોજેક્ટના નામે આદિવાસી લોકોની જમીનો ગઈ હતી.

ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અહીં શિક્ષણનું સ્તર અહીંયા કથળી ગયું છે, સિંચાઈનું પાણી નથી મળતું, આ સિવાય રોજગારી અને આરોગ્ય જેવી બાબતોને લઇને પણ સ્થાનિકોમાં રોષ અને આક્રોશ છે. આ આક્રોશને વ્યક્ત કરવા માટે હજારોની સંખ્યામાં આજે લોકો અહીંયા ઉપસ્થિત થયા હતા અને આ હજારો લોકોને ઉપસ્થિતિ બતાવે છે કે અહીંયા પરિવર્તન આવશે. હવે અહીંના લોકો અમારા વતી ચૂંટણી લડશે.

અમારા જેવા નેતાઓ જો અવાજ ઉઠાવે તો અમારા પર ખોટી FIR કરવામાં આવે છે અને અમને જેલમાં નાખવામાં આવે છે. આ તમામ હેરાનગતિનો જવાબ જનતા લોકતાંત્રિક રીતે આપશે. અમને પૂરો વિશ્વાસ છે કે આમ આદમી પાર્ટી એકલા હાથે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકાઓની તમામ ચૂંટણીઓમાં જીતશે. નેત્રંગ વાલીયા ઝઘડિયા તાલુકા પંચાયતોમાં આમ આદમી પાર્ટીના પ્રમુખો બનવા જઈ રહ્યા છે.

naidunia_image

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, ચંદ્રકાંતભાઈ વસાવા એક સેવાભાવી વ્યક્તિ છે અને અત્યાર સુધી એમણે પુરની પરિસ્થિતિ હોય, કોરોનાની પરિસ્થિતિ હોય, આવી તમામ કપરી પરિસ્થિતિઓમાં લોકોની મદદ કરી છે. એમણે ખૂબ જ મોટી સંખ્યામાં લોકોના લગ્ન પણ કરાવ્યા છે અને આજે અમારે આ વિસ્તારમાં કાર્યક્રમ કરવા માટે મેદાન જોઈતું હતું તો એમણે અમને મેદાન પણ અપાવ્યું છે.

ભાજપના નેતાઓએ ચંદ્રકાંતભાઈને સવાલ પણ કર્યા કે “તેઓ શા માટે મેદાન આપી રહ્યા છે?” પરંતુ અમારું સ્પષ્ટ માનવુ છે કે ચંદ્રકાંતભાઈ કોઈ રાજકીય માણસ નથી પરંતુ સેવાભાવી માણસ છે માટે તેમણે ફક્ત સેવાના ભાગરૂપે આ મેદાન આપ્યું છે. કોઈપણ ધારાસભ્યે કે સાંસદે ન કર્યા હોય એટલા સેવાના કામ ચંદ્રકાંત ભાઈએ એકલાએ કર્યા છે. આજે આ કાર્યક્રમ માટે ગ્રાઉન્ડ આપ્યું છે એ બદલ અમે તેમનો આભાર પણ વ્યક્ત કરીએ છીએ.

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, અબબબબબ અમારું સરકાર સામેનું સૂત્ર છે અને સાંસદે કહ્યું કે તેઓ અબબબબબનો વિરોધ કરે છે, તો તેઓ તો અગાઉ જોહારનો પણ વિરોધ કરતા હતા, અમે જ્યારે જય બિરસા મુંડા બોલતા હતા ત્યારે તેઓ તેનો પણ વિરોધ કરતા હતા. આજે અમે એમને જય આદિવાસી જય જોહાર અને જય બિરસા મુંડા બોલતા કર્યા છે અને હવે આવનાર દિવસોમાં લોકો જાગૃત થશે તો આ ભાજપનાનો લોકો સ્ટેજ પરથી અબબબબબ બોલવાના છે.

naidunia_image

વધુમાં ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે, હમણાં જેટલા પણ સર્વે આવી રહ્યા છે એમાં સ્પષ્ટ દેખાય રહ્યું છે કે ચૂંટણીમાં હવે ભાજપની સામે AAPની લડાઈ દેખાઈ રહી છે કોંગ્રેસ ક્યાંય પણ દેખાતી નથી. જે પણ લોકો જનતાને ગેરમાર્ગે દોરે છે એવા લોકોને હવે જનતા જાકારો આપશે.

મહેશભાઈ વસાવાએ બીટીપી પાર્ટી બનાવી અને અમારા જેવા યુવાનો એ પાર્ટીમાં જોડાયા પરંતુ જ્યારે લડવાનો સમય આવે ત્યારે તેમણે ભાજપના ઈશારે નબળો ઉમેદવાર ઊભો રાખ્યો જેને ફક્ત 3000 મત મળ્યા હતા. ઝઘડિયામાં જ્યારે ભાજપે પ્રેશર કર્યું અને કહ્યું કે “પૈસા મળી જશે” તો એમણે પોતાના પોતાના પિતા એટલે કે છોટુભાઈ વસાવા સામે ફોર્મ ભર્યું. તો હવે આ મહેશભાઈ વસાવા ભાજપના અને મનસુખભાઈ વસાવાના કહેવાથી કોંગ્રેસમાં જોડાયા છે. તો જે વ્યક્તિ પોતાના પિતાના ન થયા એ બીજાના શું થશે?