Bharuch Factory Fire: અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં આજે સવારે એકાએક ભીષણ આગ ફાટી નીકળી હતી. કંપનીના કેમિકલ વિભાગમાંથી શરૂ થયેલી આ આગે જ્વલનશીલ પદાર્થોને કારણે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું, જેના પગલે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા.
ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર, ઝઘડિયા અને આસપાસની ફાયર બ્રિગેડના 6 થી વધુ ફાયર ટેન્ડરો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા માટે પાણી અને ફોમનો સતત મારો ચલાવી રહ્યા છે. ફાયર અધિકારીઓએ જણાવ્યું છે કે આગ ગંભીર હોવાથી તેને સંપૂર્ણપણે કાબૂમાં લેવામાં લાંબો સમય લાગી શકે છે.
#WATCH | Gujarat: A massive fire broke out in a company at Panoli GIDC in Bharuch. More than 15 fire tenders present at the spot to bring the fire under control. No casualties and injuries reported.
— ANI (@ANI) September 14, 2025
(Video Source: Panoli GIDC security agency) pic.twitter.com/js7zglDGi3
આગને કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. ધુમાડો ગામ તરફ વળતાં ગભરાટ ફેલાયો હતો અને ગ્રામજનો પોતાના ઘર છોડીને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરી રહ્યા છે. સદ્ભાગ્યે, આ ઘટનામાં અત્યાર સુધી કોઈ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ આગના કારણે કંપનીને મોટા પાયે આર્થિક નુકસાન થયું હોવાનો અંદાજ છે.
પોલીસ અને જીઆઈડીસીના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે અને આગના કારણોની તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આગ શોર્ટ સર્કિટ કે કેમિકલ રિએક્શનને કારણે લાગી હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. હાલ ઘટનાસ્થળે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને આસપાસના વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા સૂચના આપવામાં આવી છે.
