Bharuch: જામા મસ્જિદમાંથી ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળવાનો મામલો, HCનો વચગાળાનો આદેશ આપવાનો ઈન્કાર; 2 નવેમ્બરે વધુ સુનાવણી

ભરૂચની જામા મસ્જિદમાં જૈનોના 19માં તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળવા મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરાઈ હતી. હાઈકોર્ટે વચગાળાનો આદેશ આપવાનો ઈનકાર કરતા કલેક્ટર, ટ્રસ્ટ, સરકાર અને ASIને નોટિસ આપી છે. હવે આ સમગ્ર મામલે આગામી સુનાવણી 2 નવેમ્બરના રોજ હાથ ધરાશે.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Tue, 27 Oct 2026 08:04 PM (IST)Updated: Tue, 27 Oct 2026 08:04 PM (IST)
bharuch-jama-masjid-controversy-hc-refuses-interim-order-next-hearing-on-november-2


Bharuch: દેશના અન્ય અનેક રાજ્યોમાં મંદિર-મસ્જિદ વિવાદ બાદ હવે ગુજરાતમાં પણ આવો જ એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં ભરુચની 14મી સદીની ઐતિહાસિક જામા મસ્જિદ જૈન મંદિર હોવાના દાવા અંગે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી યોજાઈ હતી. જે બાદ હાઈકોર્ટે ભરૂચ જિલ્લા કલેક્ટર, જામા મસ્જિદ ટ્રસ્ટ, ગુજરાત સરકાર અને આર્કિયોલોજીકલ સર્વે ઑફ ઈન્ડિયાને નોટિસ ફટકારી છે. હવે આ સમગ્ર મામલે 2 નવેમ્બરના રોજ વધુ સુનાવણી હાથ ધરાશે.

ગુજરાત સરકાર વતી સરકારી વકીલે દલીલ કરતાં જણાવ્યું કે, આ સ્ટ્રક્ચરમાંથી જૈન તીર્થંકરની મૂર્તિ મળી આવી હોવાથી તેને સુરક્ષા આપવી જરૂરી છે. જો કે હાઈકોર્ટની નવી બેન્ચ સમક્ષ પહેલીવાર સુનાવણી યોજાતા હાલ કોઈ પણ વચગાળાના પગલાં લેવાનો ઈનકાર કર્યો છે.


હકીકતમાં ભરૂચ જામા મસ્જિદની અંદર 19માં જૈન તીર્થંકર ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળ્યા બાદ હવે આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચી ગયો છે. અત્યારે આ મસ્જિદની દેખરેખ જામા મસ્જિદ ટ્રસ્ટ પાસે છે. આ કેસમાં ભરૂચના પાંચ અરજદારોએ મસ્જિદ પરિસરમાં મળેલી ભગવાન મલ્લિનાથની મૂર્તિને તાત્કાલિક સુરક્ષા પુરી પાડવા અને પૂજા કરવાની મંજૂરી આપવાની માંગ કરી હતી.

સ્થાનિક રહીશો હરીશંકર જૈન અને રાહુલ દિવાન સહિતના અરજદારોએ હાઈકોર્ટમાં અરજી કરીને વહીવટી તંત્રને ભગવાન મલ્લિનાથની મૂર્તિનું રક્ષણ કરવા તાકીદના નિર્દેશો આપવા વિનંતી કરી છે. આ પ્રાચીન સ્મારકના સ્વરૂપને લઈને ચાલી રહેલા વિવાદ અને તણાવના કારણે મૂર્તિને નુકસાન થવાની આશંકા વ્યક્ત કરી છે.

આટલું જ નહીં, ભગવાન મલ્લિનાથની મૂર્તિ જૈન સમાજ માટે પવિત્ર છે. આથી જૈનોને ત્યાં પૂજા કરવાની મંજૂરી આપવામાં નહીં આવે તો મૂર્તિ નષ્ટ થઈ જશે તેવી દલીલ કરવામાં આવી હતી.

વકીલે પોતાની દલીલમાં જણાવ્યું હતું કે, જામા મસ્જિદ ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા સંરક્ષિત સ્મારક જાહેર થયેલું છે અને રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવે છે. કાયદા મુજબ, આવા સંરક્ષિત સ્મારકના મૂળ સ્વરૂપને બદલી શકાતું નથી. જો કે હાલ ચાલી રહેલા વિવાદને જોતા મૂર્તિની સુરક્ષા અંગે આશંકા છે.

બીજી તરફ આર્કિયોલોજિકલ સર્વે ઑફ ઈન્ડિયાના વકીલે પણ સ્વીકાર્યું કે, ભગવાન મલ્લિનાથની મૂર્તિ મળી છે. જો કે અમારા કાયદા પ્રમાણે તપાસ કર્યાં બાદ નિર્યણ લેવો પડે. આથી હાઈકોર્ટે ASIના વકીલને તેમના પુરાતત્વ વિભાગ પાસેથી આ સંદર્ભે જરૂરી તમામ સૂચનો મેળવવા નિર્દેશ કર્યો છે.

આ સિવાય ગુજરાત સરકાર અને ભરુચ કલેક્ટર વચી સરકારી વકીલે હાઈકોર્ટમાં રજૂઆત કરતાં જણાવ્યું હતું કે, અરજદારની દલીલોમાં તથ્ય જણાય છે. અરજદારોએ કેન્દ્ર અને રાજ્ય સરકાર ઉપરાંત જામા મસ્જિદ પ્રબંધક કમિટી અને ASIને પક્ષકાર બનાવ્યા છે.