Arvalli News: અરવલ્લી જિલ્લાના મોડાસામાં ઘેટા-બકરા ભરેલી એક ટ્રકમાં ભીષણ આગ લાગતા ટ્રકમાં સવાર ત્રણ લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યાં છે. ઇલેક્ટ્રિક તાર અડી જતાં ટ્રકમાં આગ લાગી હતી. આગ લાગવાથી 150 ઘેટા-બકરા પણ ભડથું થયા હોવાના અહેવાલ છે. હાલ ફાયર વિભાગ ઘટના સ્થળે છે અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.
બનાવની પ્રાપ્ત પ્રાથમિક વિગત અનુસાર, મોડાસામાં ઘેટા-બકરા ભરેલો ટ્રક પસાર થઇ રહ્યો હતો ત્યારે ઉપરથી જઇ રહેલી ઇલેક્ટ્રિક લાઇને ટ્રક અડી ગયો હતો. ઇલેક્ટ્રિક લાઇનને ટ્રક અડી જવાથી ટ્રકમાં આગ લાગી હતી. જોત-જોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. બનાવની જાણ થતાં આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ટ્રકમાં ફસાયેલા લોકોને બહાર કાઢવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
આગની આ ઘટનમાં ટ્રકમાં સવાર એક બાળક અને બે પુરુષોના મોત નીપજ્યાં છે. ટ્રકમાં 150 જેટલા ઘેટા-બકરા હતા. જે પણ વિકરાળ આગમાં ભડથું થયા હતા. બનાવ અંગે મોડાસા ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. ફાયર વિભાગની બે ગાડી ઘટના સ્થળે પહોંચી હતી અને આગને કાબૂમાં લેવા પ્રયાસો હાથ ધરાયા હતા. બનાવ અંગે જાણ થતાં પોલીસ પહોંચી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
