Aravalli News: અરવલ્લી જિલ્લામાં અસામાજિક તત્વો અને નશાના સોદાગરો બેફામ બન્યા છે. ત્યારે અરવલ્લી પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવતી હોય છે. અરવલ્લીમાં આજે 2 ઓક્ટોબરની વહેલી સવારે માલપુરના મોરડુંગરી નજીક લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને પોશડોડાની ગેરકાયદેસર હેરાફેરી કરતી બિશ્નોઈ ગેંગના આરોપીઓ વચ્ચે ભયાનક ગોળીબાર સર્જાયો હતો.
એલસીબીને મળી સચોટ બાતમી
આ પણ વાંચો
મળતી માહિતી પ્રમાણે, છેલ્લા ઘણા સમયથી બિશ્નોઈ ગેંગના આરોપીઓ દ્વારા અરવલ્લી જિલ્લામાં નશીલા પદાર્થોની હેરાફેરી વધારી દેવામાં આવી છે. ત્યારે આ વચ્ચે અરવલ્લી એલસીબી ટીમને સચોટ અને ચોક્કસ માહિતી મળી કે, એક ફોર્ચ્યુનર ગાડીમાં પોશડોડાનો મોટો જથ્થો લાવવામાં આવી રહ્યો છે.આ બાતમી મળતાની સાથે જ અરવલ્લી પોલીસની ટીમ સતર્ક બની ગઈ. ત્યારબાદ માલપુર પાસે મોરડુંગરી નજીક વોચ ગોઠવી હતી.
બિશ્નોઈ ગેંગના સભ્યોએ કર્યું ફાયરિંગ
રાત્રિના અંધકારમાં પૂરપાટ દોડતી કારને રોકવાનો પોલીસે પ્રયાસ કર્યો પરંતું કારમાં બે આરોપીઓએ પોલીસ પર જ પોઈન્ટ બ્લેન્ક રેન્જથી પોલીસ પર અંધાધૂધ ફાયરિંગ કરી દીધું હતું. જવાબી કાર્યવાહીમાં એલસીબીએ પણ સાહસિકતા દાખવી હતી. પોલીસે સ્વબચાવમાં 4 રાઉન્ડ ક્રોસ ફાયરિંગ કરતાં એક આરોપીને પગમાં ગોળી વાગી ગઈ હતી. જેથી તે ત્યાં જ ઢળી ગયો હતો. જ્યારે અન્ય આરોપી અંધકારનો લાભ લઈને નાસી ગયો હતો.
ત્રણેક જેટલા અધિકારીઓને ઈજા થઈ
પોલીસે આરોપી પાસેથી એક માઉઝર પિસ્તોલ કબ્જે કરી હતી. જ્યારે ફોર્ચ્યુનર કારની તલાશી લેતાં વધુ એક માઉઝર પિસ્તોલ મળી આવી હતી. આ દિલધડક ઓપરેશનમાં 3 જાંબાઝ પોલીસ અધિકારીઓને પણ ઈજાઓ પહોંચી છે. પી.પી સોલંકી (પીએસઆઈ), કલ્પેશસિંહ (એએસઆઈ) એમ.એચ ઝાલા (એલસીબી પીઆઈ) જેમને નાની મોટી ઈજાઓ પહોંચતા પ્રાથમિક સારવાર અપાઈ છે. જ્યારે કારમાંથી પોલીસે 500 કિલો પોશડોડાનો જથ્થો, બે હથિયાર કબજે કર્યા છે.
શું કહ્યું અરવલ્લી પોલીસ વડાએ?
સમગ્ર ઘટના અંગે અરલ્લી પોલીસ વિભાગના વડા મનોહરસિંહ જાડેજાના જણાવ્યા પ્રમાણે, અરવલ્લી એલસીબી ટીમના પીઆઈ એમ.એચ ઝાલાને સચોટ બાતમી મળેલ કે, મધ્યપ્રદેશથી રાજસ્થાન તરફ નશીલો પદાર્થ લઈ જતી એક કાર નીકળવાની છે. જે બાતમીને આધારે રાત્રિના 3 વાગ્યે શંકાસ્પદ કારને રોકવાનો પ્રયાસ કરતાં આરોપીએ રોંગ સાઇડમાં કાર ભગાવી મૂકી હતી. તેમજ પોલીસ પર હુમલો કર્યો હતો. જવાબી કાર્યવાહીમાં પોલીસે પણ 4 રાઉન્ડ ફાયર કર્યા હતા.
