Aravalli News: અરવલ્લી જિલ્લામાં આવેલા ભિલોડાના પાદરાની સીમમાં હાથમતી નદી કાંઠે આશરે નવેક દિવસ પહેલા કારમાંથી સળગી ગયેલી હાલતમાં માનવ કંકાલ મળી આવ્યો હતો. જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ હતી. જોકે, ભિલોડા પોલીસ અને એલસીબીની સંયુક્ત કામગીરીથી આ ચકચારી અને રહસ્યમયી હત્યાનો ભેદ પરથી પરદો ઉંચકાઈ ગયો છે. પોલીસ પાસેથી મળતી વિગત અનુસાર, સળગેલી કારમાંથી જે માનવ કંકાલ મળ્યું તે વિજયનગરના ચિઠોડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એએસઆઈ રાઇટર અશ્વિન તબિયાડનું હતું.
ASIની હત્યા કરી મૃતદેહ સળગાવ્યો
પોલીસ વિગતો મુજબ, અરવલ્લીના વિજયનગરના ચિઠોડા પોલીસ સ્ટેશનના ASI રાઈટર અશ્વિન તબિયાડનું મોત કારમાં સળગી જવાથી થયું હતું. આ ઘટના અંગે એક ચોંકાવનારો ખુલાસો થયો છે કે, ASI અશ્વિન તબિયાડનો તેમની સાથે જ ફરજ બજાવતી હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન કલાસવા સાથે પ્રેમ સંબંધ હતો. જોકે, મહિલા હેડ કોન્સ્ટેબલ સંબંધ વધારવા માંગતા નહોતા. આથી ASIના સતત દબાણથી મહિલા હેડ કોન્સ્ટેબલે હત્યા કરી નાખવાનો પ્લાન ઘડી કાઢ્યો હતો.
SP મનોહરસિંહે આપ્યો તપાસનો આદેશ
મહિલા હેડ કોન્સ્ટેબલે ASIની હત્યા માટે મદદ કરવા માટે પોતાના સગા ભાઈ કલ્પેશ કલાસવા, પિતરાઈ પંકજ કલાસવા અને તેના મિત્રની મદદ લીધી હતી. મહિલાએ ASIને ચિઠોડા સ્થિત પોતાના ભાડાના મકાનમાં બોલાવ્યા હતા. ત્યારબાદ પોતાના સાથીદારોની મદદથી ASIની નિર્મમ હત્યા કરી નાખી હતી. ત્યારબાદ કારને પાદરાની સીમ ખાતે લઈ જઈને કાર સહિત લાશને સળગાવી નાખી હતી. 10 નવેમ્બરના રોજ સંપૂ્ર્ણ રીતે સળગી ગયેલી સ્થિતિમાં કારમાંથી માનવ કંકાલ મળી આવતાં SP મનોહરસિંહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા હતા.
પોલીસે 4 આરોપીઓને અટકાયત કરી
એલસીબી અને ભિલોડા પોલીસની ટીમોએ ટેક્નિકલ સર્વેલન્સ અને બાતમીદારોને કામે લગાડ્યા હતા. સીસીટીવીની તપાસમાં સામે આવ્યું કે, મહિલા કોન્સ્ટેબલનો ભાઈ કલ્પેશ અને મિત્ર મનોજ બનાવની કારમાં જ પેટ્રોલ પંપથી કેરબામાં પેટ્રોલ ભરાવી ગયા હોવાનું ખુલ્યું હતું. SP મનોહરસિંહ જાડેજાએ પીએમ બાદ હત્યાનો ખુલાસો થશે તેવી વિગતો આપી હતી.
હાલ પોલીસે આરોપી મહિલા હેડ કોન્સ્ટેબલ આલ્ફાબેન કલાસવા, તેના ભાઈ કલ્પેશ, પિતરાઈ ભાઈ પંકજ કલાસવા સહિત એક અન્ય આરોપીની અટકાયત કરી છે. અરવલ્લી જિલ્લામાં થયેલી હત્યાને પગલે ભારે ચકચારનો માહોલ જોવા મળ્યો છે. ઉપરાંત પોલીસના જણાવ્યા પ્રમાણે, જ્યારે મહિલા હેડકોન્સ્ટેબલે લાશને સળગાવવાનો પ્રયાસ કર્યો તો તે પોતે પણ દાઝી ગઈ હતી. હાલ સમગ્ર મામલે પોલીસ કાર્યવાહી ચાલું છે.
