Aravalli Police: અરવલ્લીમાં સ્કોર્પિયો કારને રોકતી વખતે આરોપીઓનો હુમલાનો પ્રયાસ, પીઆઇ સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કર્યું

પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન એ કાર પોલીસ વાહન સાથે અથડાઇ હતી. આરોપીઓ દ્વારા પોલીસ પર હમુલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Tue, 22 Sep 2026 03:15 PM (IST)Updated: Tue, 22 Sep 2026 03:15 PM (IST)
aravalli-police-firing-pi-fires-two-rounds-in-selfdefense-poppy-straw-found-in-scorpio

Aravalli Police Firing: અરવલ્લી જિલ્લામાં કોઇ એક્શન ફિલ્મ જેવો માહોલ સર્જાયો હતો. ધનસુરાના શિનોલ પાસે પોલીસ દ્વારા એક સ્કોર્પિયો કાર ઝડપી પાડવામાં આવી હતી. જે દરમિયાન આરોપીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. જે દરમિયાન પીઆઇ દ્વારા સ્વબચાવમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. આરોપીઓ સાથેના ઘર્ષણના બનાવમાં બે પોલીસકર્મીઓ ઇજાગ્રસ્ત થયા હતા. જોકે આરોપીઓ ફરાર થઇ ગયા હતા. આરોપીઓને ઝડપી પાડવા પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

બનાવની પ્રાપ્ત વિગત અનુસાર, આરોપીઓ બિશ્નોઇ ગેંગના હોવાની પ્રાથમિક વિગતો છે. બાતમીના આધારે એસઓજીની ટીમ દ્વરા એક શંકાસ્પદ સ્કોર્પિયો કારનો પીછો કરવામાં આવી રહ્યો હતો. પોલીસે કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો, જે દરમિયાન એ કાર પોલીસ વાહન સાથે અથડાઇ હતી. આરોપીઓ દ્વારા પોલીસ પર હમુલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને રિવોલ્વર જેવી બંદૂક બતાવવામાં આવી હતી. આરોપીઓ તરફથી થયેલા હુમલાના સ્વબચાવમાં પીઆઇ પી.બી. ચૌધરી દ્વારા બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યા હતા.

વધુ વિગતો અનુસાર, સ્કોર્પિયો કાર અને પોલીસ વાહન એકબીજા સાથે અથડાવાથી બે પોલીસકર્મીઓને ઇજા પહોંચી હતી. બનાવની જાણ થતાં જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફરાર આરોપીઓ અન્ય રાજ્યમાં ભાગી ન જાય એ માટે ગુજરાત-રાજસ્થાન બોર્ડર પર સઘન સર્ચ ઓપરેશન અને તપાસ હાથ ધરવામાં આવી છે.