Dr. Harsh Pandya Suicide Case: સુરત નવી સિવિલ હોસ્પિટલની હોસ્ટેલમાં મેડિકલનો અભ્યાસ કરતા મોડાસાના તેજસ્વી વિદ્યાર્થી હર્ષ પંડ્યાના આપઘાતથી રાજ્યભરમાં ચકચાર મચી છે. મૃતક હર્ષ પંડ્યાનો પાર્થિવ દેહ વતન મોડાસા પહોંચ્યો હતો. જ્યાં બાદમાં હર્ષની અંતિમયાત્રા નીકળતા પરિવાર અને નજીકના લોકોએ તેમને છેલ્લી વિદાય આપી હતી.
મોડાસામાં શોકનું મોજું: પરિવારે માંગ્યો ન્યાય
આ પણ વાંચો
આજે વહેલી સવારે હર્ષનો પાર્થિવ દેહ તેના વતન મોડાસા પહોંચતા જ સમગ્ર પંથકમાં ભારે અરેરાટી અને શોકનું મોજું ફરી વળ્યું હતું. સફેદ કફનમાં લપેટાયેલા દીકરાને જોઈ પરિવારની આંખો છલકાઈ ઉઠી અને અંતિમયાત્રામાં હૃદયદ્રાવક દ્રશ્યો સર્જાયા હતા.
પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે હર્ષ પર 'ઓવર રેગિંગ' કરવામાં આવ્યું હતું. તેમણે તંત્ર સમક્ષ રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, માત્ર કાગળ પર રહેલા રેગિંગ વિરોધી કાયદાઓનો વાસ્તવિકતામાં કડક અમલ થવો જોઈએ, જેથી ભવિષ્યમાં કોઈ અન્ય માતા-પિતાએ પોતાનો નિર્દોષ બાળક ગુમાવવો ન પડે.
તંત્રની કડક કાર્યવાહી, સિનિયર ડોક્ટરો સસ્પેન્ડ
આ ઘટનાની ગંભીરતા જોતા તપાસ કમિટીએ પુરાવા રજૂ કરતા જ મેડિકલ જગતમાં ખળભળાટ મચી ગયો છે. હર્ષને આપઘાત માટે મજબૂર કરનાર ચારેય સિનિયર આરોપી ડોક્ટરોને તાત્કાલિક અસરથી હોસ્પિટલ અને અભ્યાસમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આ મામલે આગળની કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે..
માનસિક અને શારીરિક ત્રાસ થયાનો ખુલાસો
બીજી તરફૃ, આ કેસમાં હૃદયદ્રાવક વળાંક આવ્યો છે. પોલીસ અને તપાસ કમિટીની પ્રાથમિક તપાસમાં સત્તાવાર રીતે સાબિત થયું છે કે હર્ષ પર સિનિયર ડોક્ટરો દ્વારા અમાનવીય રેગિંગ કરવામાં આવતું હતું. આ ગંભીર ઘટના બાદ તંત્રએ કડક કાર્યવાહી કરતા ચાર સિનિયર રેસિડેન્ટ ડોક્ટરોને 6 મહિના માટે સસ્પેન્ડ કરી દીધા છે.
તપાસ દરમિયાન સામે આવ્યું છે કે હર્ષ ઉચ્ચ અભ્યાસ અર્થે સુરત ગયો હતો. તેના જ સિનિયર વિદ્યાર્થીઓએ હર્ષને સતત નિશાન બનાવ્યો હતો. કમિટીની તપાસમાં સાબિત થયું કે, આરોપી સિનિયરો દ્વારા હર્ષને અમાનવીય રીતે માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. ટોર્ચરથી કંટાળીને આખરે હર્ષે આત્યંતિક પગલું ભરી લીધું હતું.
