Anand News, Tarapur Hit and Run: આણંદ જિલ્લામાં તારાપુરના મોરજ ગામની ચોકડી પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. શાળાથી સાઈકલ પર ઘરે પરત ફરતી 13 વર્ષની એક માસૂમ વિદ્યાર્થિની એક આઈસર ટેમ્પોની અડફેટે ચડી હતી. આ અકસ્માતમાં બાળકીને ગંભીર ઈજાઓ પહોંચતા તેને સારવાર અર્થે આણંદની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરી છે.
ધોરણ-7 ની વિદ્યાર્થિની બની અકસ્માતનો ભોગ
આ પણ વાંચો
મળતી માહિતી અનુસાર, ભોગ બનનાર બાળકીનું નામ પ્રિયાબેન દિલીપભાઈ પરમાર છે, જે ધોરણ-7 માં અભ્યાસ કરે છે. ગઈકાલે સાંજે શાળાથી છૂટ્યા બાદ પ્રિયા સાયકલ લઈને ઘરે જઈ રહી હતી. તે જ સમયે મોરજ ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા આઈસર ટેમ્પોએ તેને અડફેટે લીધી હતી. માસૂમ બાળકી પર આઇસરના ટાયર ફરી વળ્યા હતા.
CCTV ફૂટેજમાં કેદ થઈ ઘટનાની ભયાનકતા
આ સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ થઈ છે. CCTV ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે વરસાદી માહોલ વચ્ચે ચાર રસ્તા નજીક એક આઈસર ટ્રકની અડફેટે ચડતા વિદ્યાર્થિની સાઈકલ સાથે જ આઈસરના આગળના ટાયરમાં આવી જાય છે. આઈસર ધીમું તો પડે છે, પરંતુ બાળકી પાછળના ટાયરમાં દબાઈ જાય છે. ઘટનાને પગલે આસપાસના લોકોનું ટોળું તરત જ દોડી આવે છે અને બાળકીને બહાર કાઢે છે.
સ્થાનિક તંત્ર સામે ગ્રામજનોનો ભારે આક્રોશ
આ ગોઝારી ઘટના બાદ મોરજ ગામના સ્થાનિક રહીશોમાં વહીવટી તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ, આ વિસ્તારમાં રાઈસ મિલ, ગેસ પ્લાન્ટ અને મેડિકલ વેસ્ટના એકમો આવેલા હોવાથી ભારે વાહનોની સતત અવરજવર રહે છે. ભારે વાહનોના ચાલકો ટ્રાફિકના નિયમોનું પાલન કર્યા વિના દિવસ-રાત પૂરપાટ ઝડપે વાહનો હંકારે છે.
પોલીસ બંદોબસ્ત-સ્પીડ બ્રેકર મૂકવાની માંગ
મોરજ ચોકડી હવે અકસ્માતનું કેન્દ્ર બની ગઈ છે. વારંવાર રજૂઆતો કરવા છતાં પણ સુરક્ષા કે ટ્રાફિક નિયમન માટે તંત્ર નિષ્ક્રિય હોવાનો લોકોએ ગંભીર આક્ષેપ કર્યો છે. ભવિષ્યમાં આવી મોટી દુર્ઘટનાઓ અટકાવવા માટે ગ્રામજનોએ વહીવટીતંત્ર પાસે ઉગ્ર માંગ કરી છે કે મોરજ ચોકડી પર તાત્કાલિક ટ્રાફિક નિયંત્રણ માટે સ્પીડ બ્રેકર મૂકવામાં આવે અથવા કાયમી ધોરણે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે.
આ ઉપરાંત, ગામની વચ્ચેથી પસાર થતા ભારે વાહનોની ગતિ પર કડક નિયંત્રણ લાવવા અને બેફામ ડ્રાઇવિંગ કરતા વાહન ચાલકો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવાની પણ માંગ ઉઠી છે. જો તંત્ર સત્વરે જાગૃત નહીં થાય અને નક્કર પગલાં નહીં ભરે, તો આગામી સમયમાં વધુ મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ સ્થાનિકો વ્યક્ત કરી રહ્યા છે.
