Anand News: પેટલાદ તાલુકાના કાવિઠા અને વહેરા ગામના લોકોને હવે રાંધણગેસના બાટલા બદલવાની માથાકૂટમાંથી કાયમી છુટકારો મળી ગયો છે. આ બન્ને ગામોમાં હવે સીધો પાઇપલાઇનથી જ ગેસ મળશે. નાણા રાજ્ય મંત્રી કમલેશ પટેલના હસ્તે આજરોજ કાવિઠા અને વહેરા ગામ ખાતે PNG (પાઇપ્ડ નેચરલ ગેસ) પાઇપલાઇનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.
ગ્રામજનોની વર્ષો જૂની માંગણી પૂરી થઈ છે તેમ જણાવતા નામના રાજ્યમંત્રી કમલેશ પટેલે ખુશી વ્યક્ત કરી હતી અને કહ્યું કે છેવાડાના માનવી સુધી પાયાની સુવિધાઓ પહોંચાડીને નાગરિકોનું જીવન ધોરણ ઊંચું લાવવાની તેમની સતત સક્રિયતા અને સંકલ્પબદ્ધતા આ કાર્યથી પુનઃ સાબિત થઈ છે.
આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, આ સુવિધા શરૂ થવાથી કાવિઠા અને વહેરા બંને ગામના નાગરિકોને હવે દૈનિક ધોરણે સ્વચ્છ, સુરક્ષિત અને સુલભ PNG ગેસ પુરવઠો મળી રહેશે. રાંધણગેસના બાટલા બદલવાની ઝંઝટમાંથી મુક્તિ મળવાની સાથે આધુનિક સેવાઓને કારણે ગ્રામજનોનું દૈનિક જીવન વધુ સુવિધાયુક્ત, આસાન અને સુરક્ષિત બનશે. પર્યાવરણાનુકૂળ અને આર્થિક રીતે પણ રાહત આપતી આ સેવા ખાસ કરીને ગ્રામીણ ગૃહિણીઓ માટે આશીર્વાદરૂપ નિવડશે, જે 'વિકાસ પણ, સુવિધા પણ અને જનસુખાકારી પણ'ના સરકારના મંત્રને ચરિતાર્થ કરે છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયત સભ્ય નયનાબેન ઠાકોર, ચરોતર ગેસ કંપનીના ચેરમેન સુરેશ પટેલ, પૂર્વ જિલ્લા પંચાયત સભ્ય જયનસિંહ ચૌહાણ, તાલુકા પંચાયત સભ્ય નીતાબેન સોલંકી, ગામના સરપંચ સચીન પટેલ, ઉપરાંત સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતાં.
