Anand: SOG કચેરીમાં આરોપીના આપઘાત પ્રયાસ બાદ LCB ઇન્ચાર્જ PI બી. એમ. માળી સસ્પેન્ડ

આણંદના પેટલાદ તાલુકાના પાળજ બોગસ ખેડૂત જમીન કૌભાંડ કેસમાં ગંભીર ટેકનિકલ ભૂલો અને SOG કચેરીમાં આરોપીના આપઘાતનો પ્રયાસ બાદ LCB ઇન્ચાર્જ PI બી. એમ. માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Sun, 28 Jun 2026 09:59 AM (IST)Updated: Sun, 28 Jun 2026 09:59 AM (IST)
anand-sog-lcb-pi

Anand News: પેટલાદના પાળજ ગામમાં સામે 'બોગસ ખેડૂત' જમીન કૌભાંડમાં આણંદ લોકલ ક્રાઈમ બ્રાંચના પોલીસ ઈન્સ્પેક્ટર ભાર્ગવ એમ. માળીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ સમગ્ર કેસમાં ગંભીર ટેકનિકલ ક્ષતિઓ અને તપાસની પ્રક્રિયામાં રહેલી ત્રુટિઓ ધ્યાનમાં આવતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા આ આકરો નિર્ણય લેવામાં આવ્યો છે.

PIએ ફરિયાદી બની 10 લોકો સામે ગુનો નોંધ્યો

પેટલાદના પાળજ ગામની સીમમાં આવેલી જમીનમાં અમદાવાદના બે ભાઈઓ મૈરૂલાલ અને પ્રીતલાલ ચોપરાએ બોગસ વારસાઈ અને બનાવટી દસ્તાવેજોના આધારે પોતાની ઉંમર ઓછી દર્શાવી ખેડૂત હોવાનો દાવો કરી જમીન ખરીદી હતી. તેઓની વાસ્તવિક ઉંમર 50 વર્ષથી વધુ હોવા છતાં કાગળ પર માત્ર 20 થી 22 વર્ષ બતાવવામાં આવી હતી. નવઘણ રબારીએ આ અંગે જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરી હતી. તત્કાલીન એસઓજી PI બી.એમ. માળીએ આશંકા વ્યક્ત કરી હતી કે, જો ફરિયાદી ખાનગી વ્યક્તિ બને તો સમાધાન થઈ જવાની શક્યતા છે, તેથી તેમણે પોતે ફરિયાદી બનીને 10 શખ્સો વિરુદ્ધ છેતરપિંડીનો ગુનો નોંધ્યો હતો.

PIને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરાયા

તપાસ દરમિયાન આ કેસમાં અનેક ગંભીર ક્ષતિઓ બહાર આવી હતી, જે PI ના સસ્પેન્શનનું કારણ બની હતી, સૌથી મોટી ભૂલ એ હતી કે, પી.આઈ. બી.એમ. માળી પોતે જ ફરિયાદી હતા અને તપાસ પણ પોતાની પાસે જ રાખી હતી. આ તમામ બાબતોને ધ્યાને રાખીને ઉચ્ચ અધિકારીઓએ આ નિર્ણય લીધો હતો.

આરોપીએ આત્મહત્યાનો કર્યો પ્રયાસ

આ કેસની તપાસ દરમિયાન એસઓજી કચેરીમાં જ એક આરોપીએ ઝેરી ગોળીઓ ખાઈ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો, જે ઘટના બાદ ઉચ્ચ કક્ષાએ તપાસ કરવામાં આવી હતી. પોલીસ સ્ટાફની હાજરીમાં આવી ઘટના બની હતી. આ તમામ વિગતોનો અહેવાલ ઉચ્ચ અધિકારીઓને સોંપવામાં આવતા, PI બી.એમ. માળીને ફરજમાંથી તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ કાર્યવાહીથી પોલીસ બેડામાં ભારે ચકચાર મચી ગઈ છે.