વલ્લભ વિદ્યાનગરમાં પંચમહાલના 20 વર્ષીય વિદ્યાર્થીનો આપઘાત, પોલીસ તપાસ શરૂ

નાના બજાર સ્થિત શરણંમ એપાર્ટમેન્ટમાં રહેતા વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો.

By: Purvalak DabhiEdited By:Purvalak DabhiPublish Date: Tue, 20 Oct 2026 10:57 AM (IST)Updated: Tue, 20 Oct 2026 10:57 AM (IST)
panchmahal-student-suicide-in-vallabh-vidyanagar-sharnam-apartment

Vallabh Vidyanagar Student Suicide: શિક્ષણનગરી વલ્લભ વિદ્યાનગરમાં અભ્યાસ અર્થે આવેલા પંચમહાલના એક યુવાન વિદ્યાર્થીએ ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા સમગ્ર વિસ્તારમાં ભારે શોકની કાલિમા છવાઈ ગઈ છે. નાના બજાર સ્થિત શરણંમ એપાર્ટમેન્ટમાં બનેલી આ કરુણ ઘટનાથી વિદ્યાનગરમાં રહેતા વિદ્યાર્થીઓ અને સ્થાનિકોમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

અગમ્ય કારણોસર અંતિમ પગલું ભર્યું

મળતી વિગતો અનુસાર, મૂળ પંચમહાલ જિલ્લાનો વતની 20 વર્ષીય રામતીર્થ જેઠાભાઈ ઉર્ફે જયેશભાઈ પરમાર વિદ્યાનગરની કોલેજમાં બાયોમેડિકલ શાખામાં અભ્યાસ કરતો હતો. તે નાના બજાર વિસ્તારમાં આવેલા ‘શરણમ એપાર્ટમેન્ટ’ના ફ્લેટ નંબર 302 માં રહીને પોતાનો અભ્યાસ આગળ ધપાવી રહ્યોહતો. દરમિયાન, ગત મધ્યરાત્રિના આશરે 12:00 વાગ્યાના સુમારે યુવકે પોતાના જ ફ્લેટમાં કોઈ અણધારી કે અગમ્ય કારણોસર ફાંસો ખાઈ લીધો હતો.

મૃતક વિદ્યાર્થી સાથે રહેતા તથા આસપાસના વિદ્યાર્થીઓએ બૂમાબૂમ કરતા એપાર્ટમેન્ટના અન્ય રહીશો તુરંત જ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. આ બનાવ અંગે તુરંત જ વિદ્યાનગર પોલીસ મથકને જાણ કરવામાં આવી હતી. બનાવની માહિતી મળતા જ વિદ્યાનગર પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસ ટીમે ઘટનાસ્થળે પહોંચી યુવકના મૃતદેહને નીચે ઉતાર્યો હતો.

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

પોલીસ ટીમે પ્રાથમિક કાર્યવાહી પૂર્ણ કર્યા બાદ પંચનામા સાથે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવકના આત્યંતિક પગલાં પાછળનું સાચું કારણ શું હતું તે અંગે હજુ સુધી કોઈ ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલમાં વિદ્યાનગર પોલીસે આ મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે, તેમજ મૃતકના પરિવારજનોને બનાવ અંગે જાણ કરવામાં આવી છે.