Khambhat Honor Killing: આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના મેતપુર ગામમાં ઑનરકિંલિંગની ચોંકાવનારી ઘટના સામે આવી છે. જેમાં પુત્રીના પ્રેમસબંધથી નારાજ પિતાએ દિવાળીની રાતે જ દુપટ્ટા વડે ગળું દબાવીને દીકરીની હત્યા કરી નાંખી હતી. જો કે પોસ્ટમોર્ટમના રિપોર્ટના આધારે પોલીસે હત્યારા પિતાની અટકાયત કરી છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, મેતપુર ગામમાં રહેતી સાન્યા પટેલ (21)ને ગામના જ એક યુવક સાથે એક વર્ષથી પ્રેમસબંધ હતો. જેને લઈને નારાજ પિતા કૌશલકુમારે પુત્રીને સબંધ તોડી નાંખવા સમજાવતા હતા. જો કે દીકરી યુવક સાથે ફોન પર સતત સંપર્કમાં રહેતી હતી.
દિવાળીની રાતે પરિવારના તમામ સભ્યો સૂઈ ગયા ત્યારે કૌશલકુમાર અને પુત્રી સાન્યા વચ્ચે મોડી રાતે રસોડામાં પ્રેમસબંધને લઈને વાતચીત ચાલતી હતી. આ દરમિયાન બોલાચાલી ઉગ્ર બનતા આવેશમાં આવેલા પિતાએ પુત્રી સાન્યાનું તેના જ દુપટ્ટા વડે ગળું દબાવી દીધુ હતુ. જેના પગલે સાન્યા સ્થળ પર જ ફસડાઈને મોતને ભેટી હતી.
પુત્રીની હત્યા બાદ પોતાનું પાપ છુપાવવા માટે પિતાએ બનાવને આત્મહત્યામાં ખપાવવાનો પ્રયાસ કરીને અન્ય પરિવારજનોને ગેરમાર્ગે દોર્યા હતા. જે બાદ સાન્યાના મૃતદેહને ખંભાત જનરલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તબીબોની મોત શંકાસ્પદ જણાતા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતુ. જેમાં શ્વાસ રુંધાવાના કારણે તેનું મોત થયું હોવાનું ખુલ્યું હતુ. જેના આધારે પોલીસે તપાસનો દોર લંબાવતા મૃતકના પિતા કૌશલકુમારની પૂછપરછમાં તેમણે જ દીકરીની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી. હાલ તો હત્યારા પિતા વિરુદ્ધ ગુનો દાખલ કરીને તેની અટકાયત કરવા સાથે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
