આણંદમાં પ્રદૂષણનો વધતો કેર: ખંભાતમાં કેમિકલયુક્ત પાણીથી 7 પશુનાં મોત અને 15 ગંભીર સ્થિતિમાં

ખંભાતના વૈણજ અને આખોલ ભાઠા વિસ્તારમાં કેમિકલયુક્ત ઝેરી પાણી પીવાથી 7 પશુઓના મોત અને 15 ગંભીર છે. જીપીસીબી અને પોલીસે તપાસ શરૂ કરી છે.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Wed, 19 Aug 2026 02:22 PM (IST)Updated: Wed, 19 Aug 2026 02:22 PM (IST)
khambhat-chemical-water-pollution-livestock-deaths-environment-damage-gpcb-action

Anand News: આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં કેમિકલયુક્ત ઝેરી પાણીના કારણે પર્યાવરણ અને પશુપાલકો માટે ગંભીર સ્થિતિ સર્જાઈ છે. વૈણજ અને આખોલના દરિયાઈ ભાઠા વિસ્તારમાં ઝેરી પાણી પીવાથી7 પશુઓના કરૂણ મોત થયાની આઘાતજનક ઘટના સામે આવી છે જ્યારે 15 જેટલા પશુઓ અત્યંત ગંભીર અવસ્થામાં સારવાર હેઠળ છે. બે દિવસ પહેલા જ વટાદરા અને વત્રા સીમમાં 200 જેટલા બબ્લર પક્ષીઓના પણ રહસ્યમય સંજોગોમાં મોત નિપજ્યા હતા.

ખંભાતના ગ્રામ્ય પંથકમાં 7 ભેસોના મોત

મળતી માહિતી મુજબ, ખંભાતના ગ્રામ્ય વિસ્તારના વૈણજ-આખોલ ભાઠામાં 5 ભેંસો અને સ્થાનિક પશુપાલકો પિન્ટુભાઈ ભરવાડ અને વલ્લુભાઈ ભરવાડના વાડામાં 1-1 મળીને કુલ 7 પશુઓના કરુણ મોત નિપજ્યા છે. ઝેરના લક્ષણોની વાત કરીએ તો, કેમિકલયુક્ત પાણી કે ખોરાક શરીરમાં જવાથી પશુઓના પેટમાં ઝેર ફેલાય છે. જેના લીધે ચામડી ઉખડી જાય છે અને ટૂંક સમયમાં પશુનું મોત થઈ જાય છે.

સ્થાનિક પશુપાલકોએ કર્યો ગંભીર આક્ષેપ

સ્થાનિક પશુપાલકોના જણાવ્યા પ્રમાણે મુજબ, સોખડા, દહેડા, પાંદડ અને વડગામ વિસ્તારમાં 35 જેટલી કંપનીઓ આવેલી છે, જેમાં 25થી વધુ કેમિકલ ફેક્ટરીઓ છે. આ ઉપરાંત દરિયાઈ ભાઠા વિસ્તારમાં 200થી વધારે ઝીંગા-મત્સ્ય તળાવો ધમધમી રહ્યા છે. આક્ષેપ મુજબ, અહીંની કંપનીઓ ભૂગર્ભ પાઈપલાઈન મારફતે શુદ્ધ કર્યા વગર વેસ્ટેજ કેમિકલ પાણી દરિયામાં ઠાલવે છે, જેના લીધે સ્થાનિક પશુપાલકોને ખૂબ જ આર્થિક નુકસાન વેઠવું પડે છે

પશુમરણથી ગરીબોની રોજીરોટી છીનવાઈ

ગત જુલાઈ 2023ના રોજ પણ આ વિસ્તારમાં 13 પશુઓના કરુણ મોત થયા હતા. એફએસએલ રિપોર્ટમાં પુષ્ટિ થયા બાદ સરકારે રુ. 37,500 પ્રતિ દીઠ સહાયની ચૂકવણી કરી હતી. પરંતુ તેનો કાયમી ઉકેલ હજુ સુધી નથી આવ્યો. સ્થાનિક પશુપાલકો પ્રમાણે, એક ભેંસની કિંમત રુ.1,5થી 2 લાખ સુધીની હોય છે. સતત થતાં પશુમરણથી ગરીબ પરીવારોની રોજીરોટી છીનવાઈ રહી છે.

જીપીસીબી દ્વારા કાર્યવાહી કરવામાં આવી

પશુ ચિકિત્સક ડો ઋચિક આંજણાના જણાવ્યા પ્રમાણે, પેનલ ડોક્ટરો દ્વારા પશુઓનું પીએમ કરી સેમ્પલ એફએસએલમાં મોકલાયા છે. જીપીસીબીના રિજનલ ઓફિસર પવન શર્માની ટીમે ભાઠા વિસ્તાર અને ઝીંગા તળાવોમાંથી પાણીના સેમ્પલ લઈને લેબ ટેસ્ટિંગ માટે મોકલી આપ્યા છે. ઉપરાંત પશુપાલકોએ ખંભાત ગ્રામ્ય પોલીસ મથકમાં જાણવાજોગ ફરિયાદ દાખલ કરીને દોષિત કેમિકલ કંપનીઓ સામે આકરા પગલાં અને યોગ્ય વળતરની માંગણી કરી છે.