Anand News: કરમસદ આણંદ મહાનગરપાલિકાની સેનિટેશન વિભાગની ટીમ દ્વારા ઓગસ્ટ માસ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારમાં આકસ્મિક તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં જાહેરમાં ગંદકી કરતા લોકો સામે તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ કરતાં 122 એકમો સામે દંડકીય કાર્યવાહી કરી રૂપિયા 1.94 લાખનો વહીવટી ચાર્જ વસૂલ કરેલ છે, અને 115 કિલો પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામા આવ્યો છે.
મહાનગરપાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર અને ટીમ દ્વારા લોકોને જાહેરમાં ગંદકી ન કરવા માટે જણાવાયું છે, અને વેપારીઓ સિંગલ યુઝ પ્લાસ્ટિક નો ઉપયોગ ન કરે તે માટે પણ જરૂરી સુચના આપવામાં આવી છે.
વધુમાં સેનેટરી ઇન્સ્પેક્ટરના જણાવ્યા મુજબ મનપાની ટીમ દ્વારા વિવિધ વિસ્તારોમાં આકસ્મિક ચેકિંગ હાથ ધરવામાં આવશે, અને જે લોકો જાહેર આરોગ્યને નુકસાન થાય તે રીતે ગંદકી કરતા હશે કે જાહેરમાં કચરો નાખતા હશે તો આવા લોકોની સામે કાયદાની જોગવાઈને આધિન દંડનીય કાર્યવાહી કરવામાં આવશે.
કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ડોર ટુ ડોર કચરો નિયમિત ઉઘરાવવામાં આવે છે, તે ઉપરાંત જાહેર રસ્તાઓ ઉપર સોસાયટીઓની બહાર ભીનો અને સૂકો અલગ અલગ કચરો નાખવા ડસ્ટબિન પણ મૂકવામાં આવ્યા છે, જેમાં કચરો નાખવા અપીલ કરવામાં આવી છે.