Anand News:આણંદ જિલ્લાના ઉમેટા નજીક આવેલા 'કામધેનુ રિસોર્ટ'માંથી એક અત્યંત હચમચાવી દેતી કરુણ ઘટના સામે આવી છે. શનિવાર-રવિવારની રજાઓ માણવા માટે વડોદરાના તાદલજા વિસ્તારથી આવેલા સિદ્દીકી પરિવારના બે માસૂમ જોડિયા બાળકોનું સ્વિમિંગ પૂલમાં ડૂબી જવાથી આકસ્મિક મોત નીપજ્યું છે.આગામી 27 ઓગસ્ટે પોતાનો જન્મદિવસ ઉજવનાર આ બંને ભાઈઓના અચાનક મોતથી સમગ્ર પરિવાર પર આભ તૂટી પડ્યું છે અને ખુશીઓ ક્ષણભરમાં માતમમાં ફેરવાઈ ગઈ છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, વડોદરાના તાદલજા વિસ્તારમાં રહેતો સિદ્દીકી પરિવાર વીકેન્ડની રજાઓ આનંદપૂર્વક વિતાવવા માટે ઉમેટા પાસેના કામધેનુ રિસોર્ટ ખાતે પહોંચ્યો હતો. પરિવારના બંને માસૂમ જોડિયા બાળકો હમજા સિદ્દીકી અને નોમાન સિદ્દીકી રિસોર્ટના સ્વિમિંગ પૂલમાં નાહવા ગયા હતા. પ્રાથમિક આક્ષેપ મુજબ, બાળકો રમતા રમતા ભૂલથી અથવા દેખરેખના અભાવે એડલ્ટ સ્વિમિંગ પૂલ સુધી પહોંચી ગયા હતા અને ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
બાળકો પાણીમાં ડૂબી રહ્યા હોવાની જાણ થતાં જ દોડધામ મચી ગઈ હતી. તેમને તાત્કાલિક બહાર કાઢી બચાવવાના પૂરતા પ્રયાસો કરવામાં આવ્યા હતા, પરંતુ કમનસીબે બંને માસૂમના પ્રાણ બચી શક્યા નહોતા. સૌથી વધુ હૃદયદ્રાવક બાબત એ છે કે, આ બંને જોડિયા ભાઈઓનો આગામી 27 ઓગસ્ટે જન્મદિવસ હતો અને જન્મદિનના માત્ર 10 દિવસ પહેલાં જ આ કાળજું કંપાવનાર દુર્ઘટના ઘટી હતી. બાળકોએ પોતે જ રિસોર્ટમાં જવાની ભારે જીદ કરી હતી અને પિતાને પણ સાથે આવવા આગ્રહ કર્યો હતો. પરિવારને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે બાળકો સાથે વિતાવેલી આ રજાઓ તેમના જીવનની અંતિમ યાદ બની જશે અને એકસાથે બે સંતાનો ગુમાવવાનો વારો આવશે.
આ દુર્ઘટના બાદ શોકમગ્ન પરિવારજનોએ રિસોર્ટ સંચાલકો સામે ગંભીર બેદરકારીના આક્ષેપો કર્યા છે. રિસોર્ટમાં બાળકો અને વડીલો માટેના સ્વિમિંગ પૂલની અલગ વ્યવસ્થા, પૂરતા સુરક્ષા કર્મચારીઓ, લાઇફગાર્ડની ઉપસ્થિતિ અને સતત દેખરેખ જેવા મુદ્દાઓ હાલ ભારે સવાલોના ઘેરામાં આવ્યા છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને આંકલાવ પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા કામધેનુ રિસોર્ટ ખાતે પહોંચીને સઘન તપાસ શરૂ કરવામાં આવી છે.
આ દુર્ઘટનામાં રિસોર્ટ મેનેજમેન્ટની કોઈ બેદરકારી હતી કે કેમ, તેમજ પૂરતી સેફ્ટી અને સુરક્ષાના નીતિ-નિયમોનું પાલન થયું હતું કે નહીં તે તમામ દિશામાં પોલીસ તપાસ ચાલી રહી છે. આ કરુણ ઘટના રજાઓમાં પોતાના પરિવાર અને બાળકો સાથે બહાર ફરવા જતા દરેક નાગરિકો અને વાલીઓ માટે એક મોટી લાલબત્તી સમાન છે. સ્વિમિંગ પૂલની સુરક્ષા, દેખરેખ અને સેફ્ટી સાધનોની પૂરતી ખાતરી કર્યા વગર બાળકોને પાણીમાં ઉતારવા કેટલું જોખમી સાબિત થઈ શકે છે, તેનું આ એક પીડાદાયક ઉદાહરણ છે.
