Anand News: આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામમાં અંધશ્રદ્ધામાં એક 7 વર્ષની બાળકીની બલી ચડાવવામાં આવી હોવાની આશંકા છે. શનિવારે બપોરે બાળકી ભેદી સંજોગોમાં ગુમ થઇ હતી. જેની પોલીસ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવતા એક શંકાસ્પદ ઇસમની પોલીસે ધરપકડ કરી છે. ઝડપાયેલા ઇસમ દ્વારા બાળકીને નદીમાં ફેંકી દીધી હોવાની કબુલાત કરતા પોલીસે નદીમાં શોધખોળ આદરી છે. જોકે હજી સુધી બાળકીની કોઇ ભાળ મળી નથી. બીજી તરફ બાળકીના માતા-પિતા સહિત ગ્રામજનો દ્વારા આંકલા પોલીસનો ઘેરાવ કરી કડક કાર્યવાહીની માગ કરવામાં આવી છે.
ગ્રામજનોનો આક્રોશ અને માંગણી
છ વર્ષની બાળકીનું અપહરણ કરી તેની પર તાંત્રિક વિધિ કરવામાં આવી હોવાની આશંકાથી ગ્રામજનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. બાળકીના માતા-પિતા સાથે નવાખલ ગામના લોકોએ આંકલાવ પોલીસ મથકનો ઘેરાવ કર્યો હતો અને કડકમાં કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. બાળકીની હત્યાને લઈને ગ્રામજનોમાં ભારે દુઃખ અને આક્રોશની લાગણી ફેલાયેલી છે. ગામ લોકો કડકમાં કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. બાળકીની હત્યા થઈ હોવાની આશંકાથી લોકો ગુસ્સે ભરાયા છે.

આ ઘટના 30 ઓગસ્ટ, શનિવારના રોજ બની હતી, જ્યારે નવાખલ ગામથી છ વર્ષની બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે બાળકીના કાકાના મિત્રએ જ અંધશ્રદ્ધામાં તેની બલિ ચઢાવી દીધી હતી. પોલીસે બાળકીના કાકાના મિત્રની અટકાયત કરી સઘન પૂછપરછ કરતા તેણે ગુનો કબૂલ્યો હતો. આરોપીએ જણાવ્યું કે તે સંતાન પ્રાપ્તિ માટે એક ભુવા પાસે ગયો હતો, જેણે તેને તાંત્રિક વિધિ માટે બાળકીની બલિ આપવાનું કહ્યું હતું. વડોદરા ગ્રામ્યના સિંધરોટ પાસે આવેલી મીની નદીમાં એનડીઆરએફ દ્વારા સતત બીજા દિવસે શોધખોળ ચાલુ રાખવામાં આવી છે. આંકલાવ પોલીસે આરોપીને સાથે રાખીને તપાસ હાથ ધરી છે, પરંતુ આરોપી પોલીસને પૂછપરછમાં સહયોગ આપી રહ્યો નથી.
વિવિધ એંગલે પોલીસે શરૂ કરી તપાસ
શનિવારના રોજ આણંદ જિલ્લાના આંકલાવ તાલુકાના નવાખલ ગામથી તુલસી નામની છ વર્ષની બાળકીનું અપહરણ થયું હતું. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી, જેમાં જાણવા મળ્યું કે બાળકીને સિંધરોટ પાસેથી પસાર થતી મીની નદીમાં ફેંકી દેવામાં આવી હતી.પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને એ જાણવાનો પ્રયાસ કરી રહી છે કે બાળકીને નદીમાં ફેંકી દેવામાં આવી હતી કે કેમ, તેની પર તાંત્રિક વિધિ કરવામાં આવી હતી કે કેમ, અથવા તેને કોઈ અન્ય વ્યક્તિને સોંપવામાં આવી હતી કે કેમ. હાલમાં પોલીસ તમામ એંગલથી તપાસ કરી રહી છે.

સીસીટીવીમાં બાળકીને લઇ જતો જોવા મળ્યો હતો
આણંદ જિલ્લાના આંકલાવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક સાડા પાંચ વર્ષની બાળકી ગુમ થવાની ઘટના સામે આવી છે. પોલીસ અધિકારીએ માહિતી આપતા જણાવ્યું કે, 30 ઓગસ્ટ 2025ના રોજ સાંજના સમયે, ફરિયાદીએ તેમની દીકરી ગુમ થયાની જાણ આંકલાવ પોલીસ સ્ટેશનમાં કરી હતી. તાત્કાલિક પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી દીધી છે. પોલીસ તપાસમાં નવાખલ ગામના સીસીટીવી ફૂટેજમાં એક ઇસમ બાળકીને બાઈક પર લઈ જતો દેખાયો હતો. આથી પોલીસે શંકાસ્પદ ઇસમને પકડીને પૂછપરછ શરૂ કરી છે.
બાળકીને શોધવા પોલીસની પાંચથી વધુ ટીમો કામે લાગી
પોલીસ અધિકારીએ વધુ જણાવ્યું હતું કે, પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ બાળકીને ઉમેટા પાસે આવેલી મિની નદી પાસે લઈ ગયાનું જણાવ્યું છે. નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોવાથી બાળકીને શોધવા માટે ડ્રોન, ડોગ સ્ક્વોડ અને SDRFની મદદ લેવામાં આવી રહી છે. જિલ્લા પોલીસ અધિક્ષક આણંદે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને એલસીબી, બોરસદ રૂરલ, બોરસદ ટાઉન અને ભાદરણ પોલીસ સ્ટેશનની ટીમોને તપાસમાં જોડી છે. હાલમાં પોલીસ દરેક એંગલથી તપાસ કરી રહી છે અને શંકાસ્પદ વ્યક્તિની પૂછપરછ ચાલુ છે. આરોપીની ગુનાહિત પૃષ્ઠભૂમિ પણ તપાસવામાં આવી રહી છે.