Anand Rain News: આણંદના ખંભાત નજીક સાબરમતી નદીમાં લગભગ 50 ભેંસો પાણીના તેજ પ્રવાહમાં તણાઈ જવાની ગંભીર ઘટના સામે આવી છે. આ ભેંસો ખંભાત તાલુકાના વિવિધ ગામોના પશુપાલકોની હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના આશરે દસેક દિવસ પહેલાની, એટલે કે 26 ઓગસ્ટના રોજ બની હતી, જ્યારે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને કારણે સાબરમતી નદીમાં પાણી છોડવામાં આવતા નદી ગાંડીતુર બની હતી અને પાણીનું સ્તર અચાનક વધી ગયું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પશુપાલક કોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
મળતી માહિતી મુજબ, આ ઘટના બપોરના સમયે બની હોઈ શકે છે, જ્યારે કાંઠા વિસ્તારના ગામોના પશુપાલકો પોતાના પશુઓને નદી કિનારે ચરાવવા માટે લઈ ગયા હતા અને અચાનક પાણીનો પ્રચંડ પ્રવાહ આવ્યો હતો. સૌથી આશ્ચર્યજનક બાબત એ છે કે આટલી ગંભીર ઘટના બન્યાના દસ દિવસ પછી તેનો વીડિયો વાયરલ થયો છે, પરંતુ તંત્ર દ્વારા કોઈ જ પ્રકારની કાર્યવાહી અથવા આ ઘટના અંગે કોઈ માધ્યમોમાં સમાચાર આવ્યા નથી. વીડિયોમાં ખંભાતના અખાતમાં સાબરમતી નદીમાં પશુઓ તણાતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, તેમ છતાં પશુઓનું શું થયું તેની કોઈ વિગતો હજુ સામે આવી નથી.
આટલા મોટા પ્રમાણમાં પશુઓ તણાઈ જવા એ ખૂબ ગંભીર ઘટના ગણી શકાય છે, જેની કિંમત લાખો રૂપિયામાં આંકી શકાય છે. પશુપાલકોને થયેલા આ આર્થિક નુકસાન અંગે પણ કોઈ માહિતી બહાર આવી નથી. હાલ આ પશુઓ જીવિત હાલતમાં છે કે પછી સાગરમાં તણાઈ ગયા છે, તે અંગે પણ કોઈ સ્પષ્ટતા નથી. ખંભાત તાલુકા વિકાસ અધિકારી કે પ્રાંત અધિકારી પાસે પણ આ પ્રકારની કોઈ માહિતી આવી છે કે કેમ, તે તપાસનો વિષય છે.