Anand: આણંદથી વડોદરા આવી રહેલી ટ્રેનમાંથી અગમ્ય કારણોસર મહીસાગર નદીમાં ખાબકતાં આણંદના યુવા તબીબનું મોત નીપજ્યું છે. હાલ તો નંદેસરી પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો છે. આ ઘટના અકસ્માત છે કે આત્મહત્યા તે દિશામાં પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
આ અંગે પ્રાપ્ત વિગતો પ્રમાણે, આણંદની કરુણેશ ફ્રેન્ડ્સ કૉલોનીમાં રહેતા BAMS ડૉ. જૈનિશકુમાર પટેલ સોમવારે કોઈ કામ બાબતે ટ્રેન મારફતે આણંદથી વડોદરા આવી રહ્યા હતા. આ દરમિયાન ફાજલપુર નજીક જ્યારે ટ્રેન મહીસાગર નદી પરના બ્રિજ પરથી પસાર થઈ રહી હતી. આ સમયે અચાનક ડૉ. જૈનિશકુમાર નદીના પાણીમાં ખાબક્યા હતા.
આ પણ વાંચો
પરિવારજનોના હૈયાફાટ આક્રંદથી સયાજી હોસ્પિટલનું વાતાવરણ ગમગીન
આ સમયે શ્રમિકોની નજર પડતાં તેમણે તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. સ્થાનિકો અને તરવૈયાઓની મદદથી ડૉ. જૈનિશ પટેલને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે હોસ્પિટલ પહોંચે, તે પહેલા તેમનું પ્રાણપંખેરું ઉડી ગયું હતુ.
બીજી તરફ આ ઘટનાની જાણ થતાં નંદેસરી પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વડોદરાની સયાજી હોસ્પિટલ ખસેડ્યો હતો. આ દુખદ ઘટના અંગે આણંદ સ્થિત તેમના પરિવારને જાણ કરાતા જ પરિવારજનો આક્રંદ કરતા સયાજી હોસ્પિટલ દોડી આવ્યા હતા. હોસ્પિટલ પરિસરમાં ગમગીનીભર્યા દ્રશ્યો સર્જાયા હતા.
પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક ડૉ. જૈનીશકુમારના લગ્નને પાંચ વર્ષથી વધુ સમય થયો હતો. તેમના પત્ની પણ વ્યવસાયે ફિઝિયોથેરાપિસ્ટ ડોક્ટર છે. દંપતીને સંતાનમાં માત્ર 3 મહિનાનો એક માસૂમ દીકરો છે, જેણે પિતાની છત્રછાયા ગુમાવી છે.
ડૉ. જૈનીશકુમારના પિતાનું અગાઉ અવસાન થઈ ચૂક્યું છે અને તેમની મોટી બહેન લંડનમાં સ્થાયી થયેલી છે. હાલ તેઓ આણંદ ખાતે પોતાની માતા, પત્ની અને પુત્ર સાથે રહેતા હતા.
આ મામલે પોલીસે જણાવ્યું કે, હાલ આ અકસ્માતનો મામલો છે કે આત્મહત્યાનો, તે સ્પષ્ટ થઈ શક્યું નથી. પોલીસે ઘટનાના પ્રત્યક્ષદર્શીઓ અને પરિવારજનોના નિવેદનો લેવાની પ્રક્રિયા શરૂ કરી છે. તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને આગળની તપાસ ચલાવવામાં આવી રહી છે.
