Anand News:આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના વટાદરા અને વત્રા ગામની સીમમાં કથિત રીતે ઝેરી ગેસ છોડવામાં આવતા સમગ્ર વિસ્તારમાં હાહાકાર મચી ગયો છે. સ્થાનિક ખેડૂતોના આક્ષેપ મુજબ, ગેસના ફેલાવાને કારણે આસપાસના જનજીવન, પશુ-પક્ષીઓ અને ખેતીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. આ ગંભીર ઘટનામાં અંદાજે 200 જેટલા જંગલી બબ્લર પક્ષીઓના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જેનાથી પર્યાવરણ પ્રેમીઓમાં ભારે રોષ અને ચિંતા ફેલાઈ છે.
જનજીવન પર વિપરીત અસર અને શ્વાસ લેવામાં તકલીફ
ગેસના પ્રભાવને કારણે સ્થાનિક રહેવાસીઓને શ્વાસ લેવામાં ગંભીર તકલીફ,ગૂંગળામણ અને આંખોમાં તીવ્ર બળતરા થવાની ફરિયાદો ઉઠી છે. કેટલાક લોકોને ઉલ્ટીની પણ તકલીફ થઈ હોવાનું જાણવા મળ્યું છે. ઝેરી ગેસની તીવ્ર દુર્ગંધના કારણે આસપાસના ગામોમાં ભયનો માહોલ સર્જાયો હતો.
500 વીઘા ડાંગરનો પાક પીળો પડ્યો
ખેડૂતોના જણાવ્યા પ્રમાણે વાતાવરણમાં ઝેરી ગેસ ફેલાતા ખેતરોમાં ઉભેલો લીલો ડાંગરનો પાક પીળો પડી ગયો છે. ખેડૂતોના પ્રાથમિક અંદાજ મુજબ આશરે 400 થી 500 વીઘા જેટલા પાકને વ્યાપક નુકસાન થયું છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે.
પક્ષીઓના ટપોટપ મોત અને વનવિભાગની કાર્યવાહી
પ્રભાવિત વિસ્તારમાં ઝાડ પર બેઠેલા પક્ષીઓ તડફડાટ સાથે નીચે પડવા લાગ્યા હતા. ઘટનાની જાણ થતાં જાગૃત નાગરિકોએ પ્રાંત અધિકારી અને મામલતદારને ઈ-મેલ દ્વારા રજૂઆત કરી જવાબદાર કંપનીઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી છે. ખંભાત રેન્જ ફોરેસ્ટ ઓફિસર દેસાઈના જણાવ્યા મુજબ મૃત પક્ષીઓને કબજે કરી પશુ દવાખાને ખસેડાયા છે. પશુ ચિકિત્સા અધિકારી ડૉ. ઋચિક આંજણાની પેનલે પક્ષીઓનું પોસ્ટમોર્ટમ કરી સેમ્પલ FSLમાં મોકલી આપ્યા છે.
GPCB દ્વારા સઘન તપાસ અને સેમ્પલ કલેક્શન
GPCB આણંદના રિજનલ ઓફિસર પવન શર્માએ જણાવ્યું હતું કે ટીમ દ્વારા સ્થળ તપાસ હાથ ધરીને એમ્બિયન્ટ એર અને સંબંધિત કંપનીઓની ચિમનીમાંથી સેમ્પલ લેવામાં આવી રહ્યા છે. FSL અને GPCBના રિપોર્ટ આવ્યા બાદ જ પાકને થયેલા નુકસાન અને પક્ષીઓના મોતના વાસ્તવિક કારણો સ્પષ્ટ થશે તથા નિયમભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે.
