Anand: ખંભાતના કલમસરમાં ગ્રામજનો અને પોલીસ વચ્ચે ઘર્ષણ, પથ્થરમારા બાદ ટીયર ગેસના સેલ છોડાતા અફરાતફરી

ખંભાતના કલમસર ગામમાં રોહન ડાયઝ કંપનીમાં અકસ્માતમાં એક શ્રમિકનું મોત થતાં ગ્રામજનો અને શ્રમિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોલીસ પર પથ્થરમારા બાદ પોલીસે ટીયર ગેસના સેલ છોડી પરિસ્થિતિને કાબૂમાં લીધી અને ત્રણ યુવકોની અટકાયત કરી.

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Thu, 27 Aug 2026 11:40 PM (IST)Updated: Thu, 27 Aug 2026 11:40 PM (IST)
anand-news-tensions-surge-in-kalamsar-after-workers-death-police-fire-tear-gas-shells

પ્રશાંત ગજ્જર, Anand News: ખંભાત તાલુકાના કલમસર ગામે આવેલી રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેડ કંપનીમાં સર્જાયેલા ગંભીર અકસ્માતમાં એક શ્રમિકનું મોત નીપજતાં ભારે હોબાળો મચી ગયો છે.

કંપનીમાં વ્હીશલ તૂટી પડવાની આ દુર્ઘટનામાં શ્રમિકનું મોત થતાં રોષે ભરાયેલા સ્થાનિક ગ્રામજનો અને શ્રમિકોએ કંપની બહાર એકત્ર થઈને ભારે વિરોધ નોંધાવ્યો હતો. આ દરમિયાન પરિસ્થિતિ બેકાબૂ બનતા ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો, જેના જવાબમાં પોલીસે ટીયર ગેસના ચાર સેલ છોડીને સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.

આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, કલમસર ગામે ધમધમતી રોહન ડાયઝ એન્ડ ઇન્ટરમીડીયેડ કંપનીના યુનિટ-1માં આજે સવારે કામકાજ ચાલી રહ્યું હતું. આ દરમિયાન અચાનક વ્હીશલ તૂટી પડવાની દુર્ઘટના સર્જાઈ હતી. આ અકસ્માતમાં બે શ્રમિકો કાટમાળ અને મશીનરી નીચે દબાઈ ગયા હતા. કંપની દ્વારા તાત્કાલિક બંને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા કલમસર ગામના પાટા વિસ્તારમાં રહેતા અને માત્ર 15 દિવસ અગાઉ જ કંપનીમાં લેબર તરીકે કામ શરૂ કરનાર સિંધા રણજીતસિંહ નટુભાઈને વધુ સારવાર માટે કરમસદની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સાંજના સુમારે તેમનું કરુણ મોત નીપજ્યું હતું.

મૃતક રણજીતસિંહ પોતાના પરિવારમાં એકમાત્ર કમાનાર મોભી હતા અને તેમની પાછળ પત્ની તથા બે સંતાનો અનાથ થયા છે. પરિવારના મુખ્ય આધારસ્થંભનું અકાળે અવસાન થતાં તેમના પરિવાર પર આભ ફાટ્યા જેવી ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને સમગ્ર ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

શ્રમિક યુવકના મોતના સમાચાર કલમસર ગામમાં વાયુવેગે પ્રસરતા જ ગ્રામજનો અને અન્ય શ્રમિકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો. સાંજના સમયે રોષે ભરાયેલા લોકોનું ટોળું રોહન ડાયઝ કંપનીના દરવાજા બહાર એકત્ર થઈ ગયું હતું અને કંપની પ્રત્યે રોષ વ્યક્ત કરી ન્યાયની માંગ સાથે ઉગ્ર સૂત્રોચ્ચાર કર્યા હતા.

બીજી તરફ મામલો ગંભીર બનતા અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જોખમાતા ખંભાત પોલીસ સ્ટેશનના પી.આઈ. સહિતનો પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે સમજાવટના પ્રયાસો શરૂ કર્યા હતા, પરંતુ ઉશ્કેરાયેલા ટોળાએ પોલીસકર્મીઓ પર જ પથ્થરમારો શરૂ કરી દીધો હતો. પરિસ્થિતિને વધુ વણસતી અટકાવવા અને તોફાની તત્વોને ખદેડવા માટે પોલીસે બળપ્રયોગ કરવાની ફરજ પડી હતી, જેના ભાગરૂપે ટીયર ગેસના 4 સેલ છોડવામાં આવ્યા હતા.

આ પથ્થરમારાની ઘટના બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરીને ઉત્પાત મચાવનાર અને પથ્થરમારો કરનાર 3 જેટલા યુવકોની અટકાયત કરી લીધી છે. હાલ ફેક્ટરી પરિસરમાં અને આસપાસના વિસ્તારમાં પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને રાત્રીના સમયે સ્થિતિ સંપૂર્ણપણે કાબૂ હેઠળ છે.

આ ગંભીર અકસ્માત અને શ્રમિક સુરક્ષા મામલે ફેક્ટરી ઇન્સ્પેક્ટર આર.એચ. સોલંકીનો સંપર્ક કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ તેમનો સંપર્ક થઈ શક્યો ન હતો. આ ઘટનાએ ઔદ્યોગિક એકમોમાં કામ કરતા શ્રમિકોની સલામતી અને સુરક્ષા સામે મોટા સવાલો ઉભા કર્યા છે.