Anand News: આણંદ જિલ્લાના પેટલાદ ખાતે આવેલી એસ.એસ. હોસ્પિટલને નેશનલ બોર્ડ ઓફ એક્ઝામિનેશન્સ ઇન મેડિકલ સાયન્સિસ (NBEMS), નવી દિલ્હી દ્વારા Post MBBS ડિપ્લોમા કોર્સ ચલાવવા માટે સત્તાવાર માન્યતા (Grant of Accreditation) આપવામાં આવી છે. આ નોંધપાત્ર સિદ્ધિ સાથે એસ.એસ. હોસ્પિટલ પેટલાદ આવી માન્યતા પ્રાપ્ત કરનાર આણંદ જિલ્લાની પ્રથમ હોસ્પિટલ બનવાનું બહુમાન પ્રાપ્ત કર્યું છે.
NBEMS નવી દિલ્હીના ડિપાર્ટમેન્ટ ઓફ એક્રેડિટેશન દ્વારા જારી કરાયેલા પત્ર અનુસાર, હોસ્પિટલને નિયત સ્પેશિયાલિટીઝમાં Post MBBS ડિપ્લોમા અભ્યાસક્રમો માટે મંજૂરી મળેલ છે. આ કરાર હેઠળ મંજૂર થયેલ બેઠકોની સંખ્યા, માન્ય ફેકલ્ટીની માહિતી, પ્રવેશ સત્રો તેમજ અન્ય શરતો અને નિયમો ઓનલાઇન એક્રેડિટેશન એપ્લિકેશન પોર્ટલ (OAAP) પર ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. નિયમોના સુચારૂ પાલન અર્થે હોસ્પિટલે નિયત સર્ટિફિકેટ ઓફ એધરન્સ (Certificate of Adherence) પોર્ટલ અથવા ઇમેઇલ મારફતે સબમિટ કરવાનું રહેશે.
આ માન્યતા પ્રાપ્ત થવાથી હોસ્પિટલ ખાતે કાર્યરત ઓ.પી.ડી. (OPD) અને આઈ.પી.ડી. (IPD) સેવાઓ માટે કોર્સ દીઠ ૨ રેસિડેન્ટ ડોક્ટરો પ્રાપ્ત થશે. નિષ્ણાત રેસિડેન્ટ ડોક્ટરોની ઉપલબ્ધતાથી પેટલાદ તથા આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી આવતા દર્દીઓને 24 કલાક વધુ સુદ્રઢ, ગુણવત્તાસભર અને ઝડપી તબીબી સારવાર મળી રહેશે. આ મંજૂરીના કારણે પેટલાદ જેવા વિસ્તારમાં મેડિકલ શિક્ષણ અને ઉચ્ચ સ્તરીય સારવાર સુવિધાઓ એકસાથે ઉપલબ્ધ બનવાથી સમગ્ર જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે નવો અધ્યાય શરૂ થશે.
