Anand: RBSK યોજના થકી દીકરીને નવજીવન મળ્યું, 'એપ્લાસ્ટિક એનિમિયા'ની દુર્લભ બીમારીથી પીડાતી યશવી મોતને મ્હાત આપી ફરીથી હસતી થઈ

ખાનગી ઑપરેશનમાં 'બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ' ઓપરેશનનો ખર્ચ 20 લાખ રૂપિયા થવા જાય છે. જો કે RBSK યોજના અંતર્ગત મોંઘીદાટ સર્જરી અમદાવાદ સિવિલમાં વિનામૂલ્યો કરવામાં આવી

By: Sanket ParekhEdited By:Sanket ParekhPublish Date: Sun, 01 Mar 2026 05:38 PM (IST)Updated: Sun, 01 Mar 2026 05:39 PM (IST)
anand-news-rbsk-scheme-saves-8-year-old-yashvi-from-rare-aplastic-anemia-free-bone-marrow-transplant-at-ahmedabad-civil
HIGHLIGHTS
  • યશવીને સતત થાક, નબળાઈ અને ચક્કર આવવા અને શરીર પર લાલ ચકામાની સમસ્યા સર્જાઈ હતી
  • બોન મેરો બાયોપ્સી બાદ એપ્લાસ્ટિક એનિમિયાની રેર બીમારી હોવાનું નિદાન થયું

Anand: 'સરકારની યોજનાને કારણે આજે મારી દીકરી ફરીથી હસતી થઈ છે' - એક દીકરીના સપનાઓ અને એક પિતાના આત્મવિશ્વાસની જીતની લાગણી દર્શાવતા આ શબ્દો છે આણંદની યશવીના પિતા અજયસિંહ ટાંટોડના.

કહેવાય છે કે, કોઈપણ માતા-પિતા કે પરિવાર માટે તેમના બાળકની નિર્દોષ સ્મિત એ દુનિયાની સૌથી મોટી મૂડી હોય છે, પરંતુ જ્યારે કોઈ ગંભીર બીમારી આ સ્મિતને છીનવી લે અને સામે પક્ષે લાખોનો ખર્ચ આવીને ઊભો રહે, ત્યારે પિતાની લાચારી જીવનમાં આભ ફાટવા સમી હોય છે.

વાત છે આણંદ જિલ્લાના આંકલાવડી ગામના અજયસિંહ સરદારસિંહ ટાંટોડની. તેમના જીવનમાં પણ આવી જ એક કસોટી આવી, જ્યાં તેમની 8 વર્ષની વહાલી દીકરી યશવી ગંભીર બીમારીનો ભોગ બની હતી. જો કે આ અંધકારમાં ગુજરાત સરકારનો 'રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ' (RBSK) આશાનું એવું કિરણ લઈને આવ્યો, જેણે યશવીને નવજીવન આપ્યું છે.

21 ઓક્ટોબર 2017ના રોજ જન્મેલી યશવી અને તેના પરિવારના જીવનમાં અચાનક મુશ્કેલીઓ આવી પડી હતી. યશવીને સતત થાક, નબળાઈ, ચક્કર આવવા અને શરીર પર લાલ ચકામા દેખાવા લાગ્યા. પરિવાર દ્વારા વડોદરાની ગોત્રી હોસ્પિટલમાં તપાસ કરાવતા હૃદયદ્રાવક વિગતો સામે આવી; જેમા યશવીનું હિમોગ્લોબિન ઘટીને માત્ર 5.5 gm અને પ્લેટલેટ્સ 30,000 થઈ ગયા હતા. પ્રાથમિક સારવાર છતાં સ્થિતિમાં સુધારો ન થતા પરિવાર ઘેરી ચિંતામાં ડૂબી ગયો હતો.

આ કપરા સમયે ગુજરાત સરકારની રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK)ની ટીમ દેવદૂત બનીને આવી હતી. આ ટીમના ડૉ. રવિન્દ્ર શાહ અને ડૉ. નિકિતા ચૌહાણે માત્ર સરકારી ફરજ સમજીને નહીં, પણ માનવીય અભિગમ સાથે યશવીની હોમ વિઝિટ શરૂ કરી અને 17 ઓક્ટોબર 2025ના રોજ તેને તાત્કાલિક અમદાવાદ સિવિલ હોસ્પિટલ (GCRI - કેન્સર હોસિપ્ટલ) ખાતે રિફર કરવામાં આવી હતી.

જ્યાં ઊંડાણપૂર્વકની તપાસ, વારંવાર પ્લેટલેટ્સ ટ્રાંસફ્યુઝન કરવામા આવ્યુ અને બોન મેરો બાયોપ્સી કર્યા બાદ નિદાન થયું કે યશવી 'એપ્લાસ્ટિક એનિમિયા' (Aplastic Anemia) જેવી ગંભીર અને રેર બીમારીથી પીડાઈ રહી છે.

યશવીના પરિવાર માટે સૌથી મોટો પડકાર 'બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ' ઓપરેશનનો હતો, જેનો ખર્ચ ખાનગી હોસ્પિટલમાં આશરે રૂપિયા 20 લાખ થાય છે. એક સામાન્ય નોકરી કરતા અને વાર્ષિક રૂપિયા 1 લાખથી પણ ઓછી આવક ધરાવતા પિતા માટે આ સારવાર ખર્ચ ઉઠાવવો એ લગભગ અશક્ય છે.

જો કે અહીં જ ગુજરાત સરકારની સંવેદનાનો પરિચય યશવી અને તેના પરિવારને થયો અને યશવીની નાની બહેન ભવ્યાનું 'HLA' મેચ થતા, RBSK યોજના અંતર્ગત અંદાજિત 20 લાખ રૂપિયાની મોંઘીદાટ સર્જરી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કરવામાં આવી હતી.