Anand News: ખંભાતના પાધરીયા વિસ્તારમાં મોડી રાત્રે ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા અને નાસ્તા ફરતા નામચીન આરોપીને પકડવા ગયેલી પોલીસ ટીમ પર સ્થાનિકો અને આરોપીના સમાજના લોકો દ્વારા અચાનક પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ હિંસક હુમલાનો લાભ ઉઠાવીને તડીપાર આરોપી પોલીસની ગિરફ્તમાંથી છટકીને ફરાર થઈ ગયો હતો, જ્યારે પથ્થરમારાની આ ઘટનામાં બેથી ત્રણ પોલીસ જવાનો ઇજાગ્રસ્ત થયા છે.
મળતી માહિતી મુજબ, અનેક ગુનાઓમાં સંડોવાયેલા, તડીપાર અને પાસા (PASA) હેઠળ જેલની હવા ખાઈ ચૂકેલા 'લલ્લો ચુનારા' નામના આરોપી પાધરીયા વિસ્તારમાં આવ્યો હોવાની સચોટ બાતમી પોલીસને મળી હતી. બાતમીના આધારે સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક દરોડો પાડીને આરોપીને દબોચી લીધો હતો.
આ પણ વાંચો
જોકે, આરોપીની અટકાયત કરાતાં જ આસપાસના લોકો અને આરોપીના સમાજના ટોળાં એકઠા થઈ ગયા હતા. ઉશ્કેરાયેલા ટોળાંએ પોલીસની કામગીરીમાં અડચણ ઊભી કરી અચાનક ભારે પથ્થરમારો શરૂ કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાથી વાતાવરણ ગહેરાઈ ગયું હતું અને આ દોડધામ તથા અંધાધૂંધીનો લાભ લઈને પકડાયેલો આરોપી લલ્લો ચુનારા સ્થળ પરથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. પથ્થરમારામાં ઘાયલ થયેલા 2 થી 3 પોલીસ જવાનોને તાત્કાલિક પ્રાથમિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
પોલીસ ટીમ પર હુમલા અને પથ્થરમારાની જાણ થતાં જ સમગ્ર આણંદ જિલ્લાનું પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ ખંભાત સિટી, રૂલર પોલીસ અને ખંભાત ડિવિઝનના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ઇન્ચાર્જ ડીવાયએસપી વાઘેલા પણ ખંભાત ખાતે પહોંચી ગયા હતા અને પરિસ્થિતિ વધુ વણસે એ પહેલા થાળે પાડી હતી.
ઘટના બાદ પોલીસે સમગ્ર વિસ્તારને સીલ કરી મોડી રાત્રે જ વ્યાપક કૉમ્બિંગ ઓપરેશન હાથ ધર્યું હતું. પોલીસે હુમલામાં સંડોવાયેલા શંકાસ્પદ લોકોની અટકાયત કરી છે. હાલમાં અટકાયત કરાયેલા વ્યક્તિઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે, જે પૂર્ણ થયા બાદ પોલીસ પર હુમલો કરવા, સરકારી કામમાં રુકાવટ ઊભી કરવા અને આરોપીને ભગાડી જવા અંગેની ગંભીર કલમો હેઠળ ગુનો દાખલ કરી આગળની ચાર્જશીટ અને તપાસની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
