Anand Borsad Bike Accident: આણંદ-બોરસદ હાઇવે પર આવેલા એક રિસોર્ટ નજીક ગત મોડી રાત્રે ગંભીર અકસ્માત સર્જાયો હતો. બે મોટરસાયકલ વચ્ચે થયેલી ભીષણ ટક્કરમાં ત્રણ આશાસ્પદ યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે અન્ય ત્રણ યુવાનો ગંભીર રીતે ઘવાયા હતા. અકસ્માતમાં ભોગ બનેલા તમામ યુવકો બોરસદ તાલુકાના નાપાવાંટા ગામના રહેવાસી હોવાનું ખુલતા સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી સાથે શોકની કાલિમા છવાઈ ગઈ છે.
મળતી પ્રાથમિક વિગતો અનુસાર, નાપાવાંટા ગામના યુવાનો બાઈક પર બોરસદ તરફ જઈ રહ્યા હતા, તે દરમિયાન રિસોર્ટ પાસે બંને મોટરસાઇકલ સામસામે પુરઝડપે અથડાઈ હતી. આ ટક્કર એટલી જોરદાર હતી કે બંને વાહનોના કૂચેકૂચા નીકળી ગયા અને તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. અકસ્માતને પગલે રોડ પર ચીસાચીસ મચી ગઈ હતી. ઘટનામાં ગંભીર ઈજાઓ પહોંચવાને કારણે અરમાન રાણા, સમીર રાણા અને અંસાર ઝુબેર બેલિમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
આ પણ વાંચો
મૃતકોના નામ:
- 19 વર્ષીય અરમાન રફીક રાણા (રહે. નાપાવાંટા)
- સમીર રાજેશ રાણા (રહે. નાપાવાંટા)
- અંસાર ઝુબેર બેલીમ (રહે. બોરસદ)
દુર્ઘટના બનતા જ આસપાસના સ્થાનિક રહીશો અને વાહનચાલકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. બનાવ અંગે તુરંત જ 108 એમ્બ્યુલન્સ અને સ્થાનિક પોલીસને જાણ કરવામાં આવી હતી. ઘટનાસ્થળે પહોંચેલી એમ્બ્યુલન્સ મારફતે લોહી લુહાણ હાલતમાં પડેલા અન્ય ત્રણ ઈજાગ્રસ્ત યુવકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી ત્રણેય મૃતકોના મૃતદેહોને કબજે કરી પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ મામલે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. એક જ ગામના ત્રણ-ત્રણ યુવાનોના અકાળે અવસાનથી નાપાવાંટા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ અને પરિવારજનોના આક્રંદથી વાતાવરણ ગમગીન બની ગયું છે.
