Anand News, પ્રશાંત ગજ્જર: આણંદ જિલ્લાના તારાપુર ખાતે મધરાત્રે સર્જાયેલા એક ગમખ્વાર અકસ્માતે સમગ્ર પંથકને હચમચાવી નાખ્યું છે. તારાપુરની મોટી ચોકડી નજીક ભગત પેટ્રોલ પંપ પાસે રાત્રે બારેક વાગ્યાના સુમારે પૂરઝડપે અને બેફામ રીતે હંકારી આવતા ટેન્કરના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતાં ટ્રિપલ અકસ્માત સર્જ્યો હતો. આ ગોઝારી ઘટનામાં બાઈકચાલક હોટલ કર્મચારીનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે, જ્યારે વડોદરાના દંપતી સહિત રાહદારીઓ અને એક લારીચાલક ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
ટેન્કરે બાઇક અને ટ્રક સાથે અકસ્માત સર્જ્યો
આ પણ વાંચો
મળતી વિગતો અનુસાર, ટેન્કરચાલકે પહેલા બાઈક અને ત્યારબાદ રસ્તાની બાજુમાં ઊભેલા આઈશર વાહનને જોરદાર ટક્કર મારી હતી. ટેન્કરની ટક્કર એટલી જોરદાર હતી કે પાર્ક કરેલું આઈશર વાહન રોડ પર જ પલટી ખાઈ ગયું હતું. આ દરમિયાન માર્ગ પરથી પસાર થઈ રહેલા રાહદારીઓ તેમજ ખાણીપીણીની લારી લઈને ઊભેલા વ્યક્તિ પણ બેકાબૂ ટેન્કરની ઝપટમાં આવી જતાં ઈજા પામ્યા હતા.
ગંભીર ઇજા પહોંચતા હોટલ કર્મચારીનું મોત
આ જીવલેણ અકસ્માતમાં બાઈક પર સવાર અબ્દુલ હફીઝ અબ્દુલ મજીદ મોડપિયા (ઉં.વ. 48) ને માથા અને શરીરના અન્ય ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બીજી તરફ, વડોદરાના રહેવાસી રેશમાબેન સિકંદર ખાન પઠાણ અને તેમના પતિ સિકંદર અબ્દુલ ખાન પઠાણને ગંભીર ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે વડોદરાની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે, જ્યાં બંનેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
આ ઘટનામાં સૌથી કરુણ બાબત એ છે કે મૃતક અબ્દુલ હફીઝ છેલ્લા બે દાયકા એટલે કે 20 વર્ષથી તારાપુરની પેરેમાઉન્ટ હોટલમાં કામ કરતા હતા, જ્યારે ગંભીર રીતે ઘવાયેલા દંપતી પણ છેલ્લા એક વર્ષથી આ જ હોટલમાં નોકરી કરતું હતું. અકસ્માત બાદ ટેન્કરચાલકે ઘટનાસ્થળેથી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મોટી ચોકડી નજીક ફરજ પર તહેનાત પોલીસ જવાનોએ સતર્કતા દાખવીને તેને ઝડપી પાડ્યો હતો. તારાપુર પોલીસે આરોપી ચાલકની અટકાયત કરીને તેણે નશો કર્યો છે કે કેમ તેની ખાતરી કરવા મેડિકલ તપાસ સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
