Anand News: આણંદ જિલ્લાના પેટલાદ તાલુકામાં નાર ગામ આવેલું છે. આ ગામમાં આવેલી સ્વામિનારાયણ ગોકુલધામ સંસ્થા દ્વારા મણીપુર હિંસામાં જરૂરિયાતમંદ 50 જેટલા બાળકોને દત્તક લેવામાં આવ્યા છે. આ બાળકોને સંસ્થામાં લાવવામાં આવ્યા છે. જ્યાં તેમની રહેવા, જમવાની વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય અને શિક્ષણ સહિતની તમામ જવાબદારી સંસ્થા દ્વારા ઉપાડવામાં આવી છે.
છેલ્લા ચાર મહિનાથી મણીપુર રાજ્યમાં બે સમુદાય વચ્ચે હિંસા ચાલી રહી છે. બન્ને સમુદાયો વચ્ચે પથ્થરમારો, ગોળીબાર અને આગચંપી જેવા બનાવો બન્યા છે. મણીપુર રાજ્યમાં થયેલી હિંસાની નાના બાળકો પર અસર પડી છે. કેટલાક બાળકોએ માતા તો કેટલાકે પિતા જ્યારે અમુક બાળકોએ માતા-પિતા બન્ને ગુમાવ્યા છે. હિંસામાં અનાથ બનેલા બાળકો હાલ દયનીય સ્થિતિમાં જીવન વ્યતિત કરી રહ્યાં છે. મણીપુર રાજ્યની સરકારે આવા બાળકોને દત્તક લેવા માટે વિવિધ સંસ્થાઓને અપીલ કરી હતી.
બીજી બાજુ વિવિધ સ્વૈછીક સંસ્થાના કાર્યકરોએ મદદરૂપ થાય તેવી સંસ્થાઓ સુધી અનાથ બાળકોને પહોંચાડવાનું કામ શરૂ કર્યું હતું. જેના થકી પેટલાદ તાલુકાના નાર ગામમાં આવેલ સ્વામિનારાયણ ગોકુલધામ સંસ્થાને આ બાળકોની સ્થિતી અંગેની થઈ હતી. જેથી ગોકુલધામ નાર સંસ્થાએ તુરંત જ આવા અનાથ બાળકોને દત્તક લેવાનું નક્કી કર્યું હતું અને તે માટેની પ્રકિયા શરૂ કરી હતી.
બાળકોની તમામ જવાબદારી સંસ્થાએ ઉપાડી લીધી
તમામ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યાં બાદ મણીપુરથી દોઢસો થી બસો જેટલાં બાળકોને હવાઈ જહાજ મારફતે નાસિક સ્થિત શ્રીસ્વામિનારાયણ ગુરૂકુળમાં લાવવામાં આવ્યાં હતાં. જે પૈકી 50 બાળકોને લક્ઝરી બસ મારફતે પેટલાદ તાલુકાના નાર ગામની સીમમાં આવેલ ગોકુલધામ, શ્રીસ્વામિનારાયણ સંસ્થા ખાતે લાવવામાં આવ્યાં હતાં. સંસ્થાએ આ તમામ 50 બાળકોને દત્તક લઈ, તેમના ખાવા-પીવા, રહેવા ઉપરાંત આરોગ્ય, શિક્ષણ સહિતની તમામ જવાબદારી ઉપાડી લીધી છે.
બાળકોને તમામ રીતે મદદરૂપ થવા સંસ્થા કટીબધ્ધ છે - પૂ. શુકદેવપ્રસાદ સ્વામી
આ અંગે ગોકુલધામ, નાર ના પૂ. શુકદેવપ્રસાદ સ્વામી જણાવે છે કે, મણીપુર હિંસામાં અસરગ્રસ્ત બનેલાં 50 બાળકોને અમે દત્તક લીધાં છે. આ બાળકો અમારી સંસ્થામાં આવે તે પહેલાં જ અમે બધી તૈયારીઓ કરી લીધી હતી. સૌપ્રથમ આ બાળકો માટે હોસ્ટેલમાં યુધ્ધના ધોરણે બે રૂમો બનાવડાવી, બાળકો માટે 50-50 ગાદલાં, ઓશીકા અને રજાઈ ખરીદી લીધી હતી. બાળકો અમારી સંસ્થામાં આવ્યાં તે બાદ તુરંજ જ દરજીને બોલાવી તમામ 50 બાળકો માટે 3-3 જોડ કપડા સીવડાવ્યાં, બાળકો માટે ચોપડા, નોટબુક, પાણીની બોટલ, પેનો-પેન્સિલ સહિતની સ્ટેશનરી પણ લાવીને આપવામાં આવી છે. બાળકોને અહીંયા પોતાના ઘર કરતાં પણ વધુ સવલતો આપવામાં આવી રહી છે. બાળકોને તમામ રીતે મદદરૂપ થવા માટે સંસ્થા કટીબધ્ધ છે.
સંસ્થાએ દત્તક લીધેલા બાળકોની ઉમર 9થી 14 વર્ષની છે. બાળકોએ મણીપુરની હિંસા જોઇ છે. આ હિંસાની તેમના મનમાં વિપરીત અસર પહોંચી છે. આ હિંસાના દૃશ્યો ભુલાવવા માટે બાળકોને મોટિવેશનલ વીડિયો બતાવવામાં આવી રહ્યાં છે અને વિવિધ રમતો પણ રમાડવામાં આવી રહી છે.
સંસ્થાએ દત્તક લીધેલા 50 બાળકોમાંથી 48 બાળકો માત્ર ત્યાંની મણીપુરી ભાષા જ સમજે છે. તેઓ હિન્દી કે અંગ્રેજી ભાષા સમજી શકતા નથી. જ્યારે બે બાળકો થોડુંક હિન્દી જાણે છે. આ તમામ બાળકોને અંગ્રેજી, હિન્દી તેમજ ગુજરાત અને સંસ્કૃત ભાષા શીખવવા પર ભાર મુકવામાં આવશે. આ વર્ષે શૈક્ષણિક કાર્ય અડધુ પૂર્ણ થઇ ગયું હોવાથી તમામ બાળકોને આવતા વર્ષથી ગોકુલધામ છાત્રાલયમાં એડમિશન અપાશે. ત્યાં સુધી તેમને સ્થાનિક ભાષા શીખવવાની સાથે અન્ય શૈક્ષણિક કાર્ય પણ કરાવવામાં આવશે. આ માટે બે રેક્ટરની નિમણૂક કરવામાં આવી છે.
ઝડપી અને વિશ્વસનીય સમાચારો માટે ડાઉનલોડ કરો ગુજરાતી જાગરણની ન્યૂઝ એપ.
