Anand News: આણંદ જિલ્લાના ઉમરેઠમાં ફરી એકવાર મમતાને લજવતો કિસ્સો સામે આવ્યો છે. ઉમરેઠમાં મામલતદાર કચેરીથી માર્કેટ યાર્ડ તરફ જતા માર્ગ પર રોડની સાઇડમાં એક નવજાત શિશુનું મૃત અવસ્થામાં ભૃણ મળી આવ્યું છે. બનાવના પગલે લોકોનું ટોળું એકઠું થયું હતું અને પોલીસને જાણ કરવામાં આવી હતી. પોલીસે મૃત ભૃણનો કબજો લઇ ત્યજનારને શોધવા તપાસ હાથ ધરી છે.
ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં એક વેપારીએ નોંધાયેલી ફરિયાદ અનુસાર, વેપારી સવારે 10 વાગ્યાની આસપાસ ઉમરેઠ માર્કેટ યાર્ડમાં વેપાર-ધંધાના કામ અર્થે જઇ રહ્યાં હતા. એ સમયે ઉમરેઠ મામલતદાર કચેરીથી માર્કેટ યાર્ડ તરફ જવાના માર્ગે પ્લેટીનમ પ્લાઝા શોપિંગ સેન્ટર નજીક નાળાની પાળી નજીક લોકોનું ટોળું ઉભેલું જોવા મળ્યું હતું. નજીક જઇને જોતા એક મૃત અવસ્થામાં ભૃણ મળી આવ્યું હતું. બનાવ અંગે ઉમરેઠ પોલીસને જાણ કરવામાં આવી હતી.
બનાવ અંગે જાણ થતાં ઉમરેઠ પોલીસ પહોંચી હતી. કોઇ અજાણી વ્યક્તિ ભૃણને છુપાવવાના આશયથી પ્લેટીનમ પ્લાઝા શોપિંગ સેન્ટ નજીક નાળાની પાળી નજીક ત્યજીને જતું રહ્યું હોવાનું જણાઇ આવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભૃણને ત્યજનારને શોધવા પોલીસે તજવીજ શરૂ કરી છે. પોલીસે મૃત નજવાત શિશુના ભૃણને હોસ્પિટલ ખસેડ્યું હતું. નોંધનીય છેકે, 11 દિવસ પહેલા પણ ઉમરેઠમાં એક નવજાત શિશુનું ભૃણ મળી આવ્યું હતું.
