Government Schools Gujarat: ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના સક્ષમ નેતૃત્વમાં તથા નાણામંત્રી કનુ દેસાઈ અને રાજ્યકક્ષાના નાણામંત્રી કમલેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિક્ષણ ક્ષેત્રે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યના તમામ વર્ગો અને વિસ્તારો સુધી ગુણવત્તાસભર શિક્ષણનો વ્યાપ વધારવાના ઉદ્દેશ્ય સાથે સરકાર દ્વારા આ અંગેનો ઠરાવ જાહેર કરવામાં આવ્યો છે.
શિક્ષણ વિભાગના આ ઠરાવ મુજબ, રાજ્યના બિન-આદિજાતિ વિસ્તારોમાં કુલ 85 સરકારી માધ્યમિક શાળાઓ તથા 3 સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવામાં આવશે.
આ પણ વાંચો
Panchmahal: ગોધરા-અમદાવાદ હાઈવે પર અકસ્માત, ટુવા ચોકડી નજીક એસ.ટી બસે બાઈકને અડફેટે લેતા યુવકનું મોત
નવી શરૂ થનારી આ શાળાઓમાં શ્રેષ્ઠ શૈક્ષણિક કાર્ય અને વહીવટી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે નવી જગ્યાઓ ઊભી કરવાનો પણ નિર્ણય કરાયો છે. જે અંતર્ગત શિક્ષણ સહાયક, વહીવટી સહાયક અને સાથી સહાયકની નવી જગ્યાઓ ઊભી કરવા માટે વર્ષ 2026-27ના અંદાજપત્રમાં રૂ. 4.43 કરોડની માતબર જોગવાઈને વહીવટી મંજૂરી આપવામાં આવી છે.
સરકારના આ આયોજનબદ્ધ પગલાથી રાજ્યમાં શિક્ષણના વ્યાપક વિકાસ અને વિદ્યાર્થીઓની શૈક્ષણિક સુવિધાઓમાં અભૂતપૂર્વ વધારો થવાની સાથે વિદ્યાર્થીઓને મળતા શિક્ષણ સ્તરમાં પણ સુધારો થશે.
આ સર્વગ્રાહી નિર્ણય અંતર્ગત આણંદ જિલ્લાના પેટલાદ તાલુકાના મોરડ અને સંજાયા ગામમાં પણ નવી માધ્યમિક શાળાઓને મંજૂરી આપવામાં આવી છે. ગ્રામજનોની લાંબા સમયની વ્યાજબી માંગણીને પેટલાદના ધારાસભ્ય અને રાજ્યકક્ષાના મંત્રી કમલેશ પટેલે ખૂબ જ ગંભીરતાથી લીધી હતી અને મુખ્યમંત્રી સમક્ષ આ બાબતે વ્યક્તિગત રજૂઆત કરી હતી, જેને ધ્યાને રાખીને પેટલાદના વિદ્યાર્થીઓના હિતમાં મુખ્યમંત્રીએ ઉક્ત બન્ને ગામમાં માધ્યમિક શાળા માટે તાત્કાલિક મંજૂરી આપી છે.
