Anand News: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે, ત્યારે આણંદ જિલ્લાનું રાજકીય વાતાવરણ ગરમાવાને બદલે હિંસક બની રહ્યું છે. શનિવારની રાત્રે આંકલાવ તાલુકાના આસોદર વિસ્તારમાં આંકલાવ નગરપાલિકાના કારોબારી સભ્ય પર થયેલા હુમલાએ સમગ્ર જિલ્લામાં સનસનાટી મચાવી દીધી છે. રાજકીય અદાવતમાં થયેલા આ હુમલા બાદ વિસ્તારમાં ભારે તંગદિલી વ્યાપી ગઈ છે.
ભરબજારમાં ફિલ્મી ઢબે હુમલો
પ્રાપ્ત વિગતો અનુસાર, આંકલાવ નગરપાલિકાના કારોબારી સભ્ય પોતાના સાથીદાર સાથે કારમાં આસોદર વિસ્તારમાંથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન ભરબજારમાં કેટલાક શખ્સોએ તેમની કારને આંતરી હતી. "અમારા વિસ્તારમાં કેમ આવો છો?" તેમ કહી હુમલાખોરોએ સભ્ય સાથે ઉગ્ર બોલાચાલી શરૂ કરી હતી, જે જોતજોતામાં હિંસક અથડામણમાં ફેરવાઈ ગઈ હતી. ટોળાએ સભ્યને બેફામ માર મારવા ઉપરાંત તેમની કારમાં પણ તોડફોડ કરી ભારે નુકસાન પહોંચાડ્યું હતું.
કોંગ્રેસના ઉમેદવાર સહિત 4 સામે ફરિયાદ
આ હિંસક ઘટનાના પડઘા પોલીસ મથકે પડ્યા હતા. ઇજાગ્રસ્ત સભ્યને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેમની હાલત હાલ સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે આંકલાવ પોલીસ મથકમાં વિધિવત ફરિયાદ નોંધાઈ છે. જેમાં કોંગ્રેસના ઉમેદવાર મનુભાઈ પઢિયાર અને સ્થાનિક રાજકીય રીતે સક્રિય મનુ મેલા સહિત કુલ ચાર લોકો સામે નામજોગ ફરિયાદ કરવામાં આવી છે. આક્ષેપ છે કે, આગામી ચૂંટણીમાં વર્ચસ્વ જમાવવા અને રાજકીય અદાવત રાખવા માટે આ પૂર્વનિયોજિત કાવતરું ઘડવામાં આવ્યું હતું.
પોલીસ છાવણીમાં ફેરવાયું આસોદર
ઘટનાની ગંભીરતા જોતા જિલ્લા પોલીસ વડાના આદેશથી આસોદર અને આસપાસના સંવેદનશીલ વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. અનેક રાજકીય નેતાઓ રાત્રે જ પોલીસ મથકે ઉમટી પડ્યા હતા. પોલીસે અત્યાર સુધીમાં 4 થી વધુ લોકો સામે ગુનો નોંધી શંકાસ્પદોની અટકાયત શરૂ કરી છે.
ચૂંટણીના આરે જ થયેલી આ હિંસાને પગલે વહીવટી તંત્ર સામે શાંતિપૂર્ણ મતદાન કરાવવાનો મોટો પડકાર ઉભો થયો છે. હાલમાં સમગ્ર આંકલાવ પંથકમાં આ ઘટના ચર્ચાનો વિષય બની છે અને લોકોમાં ભય અને કુતૂહલ જોવા મળી રહ્યું છે.
