Anand News: ઉમરેઠ તાલુકાના બેચરી ગામે શનિવારની મોડી રાતે તાજિયાનો જુલૂસ કાઢવામાં આવ્યો હતો. જુલૂસ દરમિયાન બે યુવાનો દ્વારા વીજ લાઈનને બામ્બુની મદદથી ઊંચી કરવાના પ્રયાસ દરમિયાન દુર્ઘટના ઘટી હતી. વરસાદી વાતાવરણને કારણે બામ્બુ ભીનો હતો, જેના પરિણામે વીજ લાઈનથી કરંટ પસાર થઈ ગયો અને બંને યુવાન તેને સ્પર્શમાં આવતા વિજપ્રહારમાં આવ્યા હતા. જેમાં અઝરૂદ્દીન બાબુખાન પઠાણ (ઉંમર 37) અને મોહસીન અયુબમિયા બેલીમ (ઉંમર 35)ને ગંભીર રીતે ઈજા પહોંચતાં તેઓ ત્યાં જ ઢળી પડ્યા હતા. તાત્કાલિક મદદ છતાં બંનેને મૃત જાહેર કરવામાં આવ્યા હતા.
બેચરી ગામમાં મોહરમના જુલૂસ દરમિયાન દુર્ઘટનાજનક ઘટના બની હતી. શનિવારે મોડી રાત્રે લગભગ એક વાગ્યાના સુમારે જુલૂસ બેચરી ગામમાં આવેલ મંડળી પાસે આવેલા વડ પાસે પહોંચ્યું ત્યારે તાજિયાનો ભાગ ગામની 11 કેવીની વીજ લાઈનને અડકી ન જાય તે માટે કેટલાક યુવાનો વાંસના બામ્બુ વડે લાઈન ઊંચી કરવા પ્રયાસ કરતા હતા. પરંતુ વરસાદી વાતાવરણના કારણે બામ્બુ ભીનો હોઈ વિજપ્રહાર થયો અને કરંટ લાગવાથી બે યુવાનોનું ઘટનાસ્થળે જ દુઃખદ મોત થયું હતું.
આ ઘટનાની જાણ થતા ઉમરેઠ પોલીસ તાત્કાલિક સ્થળે પહોંચી હતી અને તમામ વિગતો મેળવી મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવાની કાર્યવાહી હાથ ધરી હતી. જો કે મૃતકોના પરિવારજનોએ પોસ્ટમોર્ટમ ન કરવાની માગ કરતા તેમની સહમતિ બાદ જવાબદારીના પત્ર લઈને મૃતદેહો તેમને સોંપી દેવામાં આવ્યા હતા. અંતે બંને યુવાનોની દફ્નવિધિ કરવામાં આવી, જેમાં બેચરી ગામના અનેક લોકોએ હાજરી આપી હતી.
