Rajkot News: રાજકોટ ગ્રામ્ય વિસ્તારના ધોરાજીમાં મોહરમ તહેવારની ઉજવણી દરમિયાન તાજિયાના ઝુલૂસમાં નિયમ ભંગનો મામલો સામે આવ્યો છે. જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તાજિયાની ઊંચાઈ અંગે બહાર પાડવામાં આવેલા જાહેરનામાનો ભંગ કરવા બદલ ધોરાજી સિટી પોલીસ સ્ટેશનમાં 19 જેટલા ઇસમો સામે સત્તાવાર ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના ગત 26 જૂન 2026ના રોજ સાંજના સમયે દરબારગઢ ચોક વિસ્તારમાં બની હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા 10 જૂન 2026ના રોજ એક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું. આ જાહેરનામા અન્વયે મોહરમ પર્વને ધ્યાનમાં રાખીને 18 જૂનથી 27 જૂન સુધી સમગ્ર રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં તાજિયાની ઊંચાઈ બેઠક સહિત 9 ફૂટથી વધુ ન રાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આ નિયમના પાલન અને કાયદો-વ્યવસ્થાની જાળવણી માટે ધોરાજી પોલીસની ટીમ, જેમાં એ.બી. કાકડિયા અને અન્ય પોલીસ કર્મચારીઓ સામેલ હતા, તેઓ વાહનમાં ધોરાજી શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
પેટ્રોલીંગ દરમિયાન સાંજે અંદાજે પાંચ વાગ્યે દરબારગઢ ચોકમાં તાજિયાનું ઝુલૂસ નીકળ્યું હતું. આ ઝુલૂસમાં કુલ 23 જેટલા અલગ અલગ તાજિયાઓ સામેલ હતા. પોલીસે સ્થળ પર ચકાસણી કરતા માલૂમ પડ્યું કે તેમાંથી 19 જેટલા તાજિયાઓની ઊંચાઈ નક્કી કરેલી 9 ફૂટની મર્યાદા કરતા વધારે હતી. કેટલાક તાજિયાઓની ઊંચાઈ 10 ફૂટથી લઈને 19 ફૂટ સુધીની હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
પોલીસ ફરિયાદમાં દર્શાવ્યા મુજબ, વિવિધ માતમ સાથે સંકળાયેલા આયોજકો દ્વારા આ નિયમભંગ કરવામાં આવ્યો હતો. ઉદાહરણ તરીકે, સૈયદ રૂસ્તમ તાજિયા માતમના આયોજક સૈયદ જાવીદમિયાંના તાજિયાની ઊંચાઈ આશરે ૧૯ ફૂટ હતી. તેવી જ રીતે ઝગડુ માતમના ઈમ્તિયાઝભાઈ હાદા અને નવીવાલા તાજિયા માતમના યાસીન બીડીવાલાના તાજિયાની ઊંચાઈ 16 ફૂટ નોંધાઈ હતી. અન્ય ઇસમોમાં તોફીક પટેલ, ઈમરાન હાલાઈ, ઓનભાઈ નાગાણી અને ઈકબાલભાઈ મુન્શી જેવા વિવિધ આયોજકોનો સમાવેશ થાય છે, જેમણે અનુક્રમે 15 ફૂટ, 13 ફૂટ અને 15 ફૂટ ઊંચા તાજિયાઓનું નિર્માણ અને પરિવહન કર્યું હતું. આ તમામ ઇસમો દ્વારા જિલ્લા વહીવટી તંત્રના આદેશની અવગણના થતાં પોલીસ તંત્રએ કડક વલણ અપનાવ્યું છે.
આ ઘટનાને પગલે પોલીસે તુરંત જ બે પંચના માણસોને બોલાવીને સ્થળ પર તાજિયા વાઈઝ ઊંચાઈ માપી હતી. જાહેરનામાનો ભંગ કરનાર આ તાજિયાઓના આયોજકોની પૂછપરછ કરી તેમના નામ-સરનામા મેળવવામાં આવ્યા હતા. આ 19 વ્યક્તિઓ કે જેમણે 9 ફૂટથી વધુ ઊંચાઈના તાજિયા બનાવી જાહેર માર્ગ પર કાઢી પરિવહન કર્યું હતું, તેમની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 223 મુજબ કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ મીરાબેન ડાંગર ચલાવી રહ્યા છે.
