આણંદ-નડિયાદ હાઈવે ગોઝારો અકસ્માત: ઈજાગ્રસ્ત હાલતમાં મુસાફરોને છોડી ભાગી ગયેલો ડ્રાઈવર પકડાયો, ગુનો દાખલ

આણંદ-નડિયાદ એક્સપ્રેસ હાઈવે પર 5 મુસાફરોના મોત નિપજાવી લોહીલુહાણ હાલતમાં છોડી ભાગી ગયેલા ખાનગી બસના ડ્રાઈવર રાજુસિંહ ચૌહાણને આણંદ ગ્રામ્ય પોલીસે ઝડપી પાડી જેલભેગો કર્યો.

By: Jignesh ParmarEdited By:Jignesh ParmarPublish Date: Fri, 02 Oct 2026 12:56 PM (IST)Updated: Fri, 02 Oct 2026 12:56 PM (IST)
anand-nadiad-highway-accident-luxury-bus-driver-arrested

Anand Highway Accident:

અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ અને નડિયાદ વચ્ચે ગત રોજ સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માત મામલે આણંદ ગ્રામ્ય પોલીસને મોટી સફળતા સાંપડી છે. પાંચ નિર્દોષ મુસાફરોના ભોગ લેનાર અને અકસ્માત સર્જીને સ્થળ પરથી ફરાર થઈ ગયેલા ખાનગી બસના ચાલકને પોલીસે ટૂંક સમયમાં ઝડપી પાડી જેલભેગો કર્યો છે.

દુર્ઘટના બાદ ડ્રાઈવર નાસી ગયો

મળતી વિગતો અનુસાર, ગત રોજ સુરતથી રાજસ્થાન તરફ જઈ રહેલી એક ખાનગી લક્ઝરી બસ અને ટ્રક વચ્ચે આણંદ-નડિયાદ હાઈવે પર ભયાનક ટક્કર થઈ હતી. આ ગોઝારા અકસ્માતમાં બસને ગંભીર નુકસાન પહોંચ્યું હતું. આ દુર્ઘટનામાં સ્થળ પર જ પાંચ લોકોના કમકમાટીભર્યા મોત નિપજ્યા હતા, જ્યારે અન્ય પાંચ મુસાફરો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. ઘટનાની ગંભીરતા જોઈને અકસ્માત સર્જનાર ખાનગી બસનો ચાલક મુસાફરોને લોહીલુહાણ હાલતમાં છોડીને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

ફરાર બસ ચાલકને ઝડપી લીધો

ઘટના અંગે જાણ થતાં જ આણંદ ગ્રામ્ય પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. ફરાર થઈ ગયેલા ચાલકને પકડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. સઘન તપાસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે પોલીસે ફરાર બસ ચાલક રાજુસિંહ નવલસિંહ ચૌહાણની સફળતાપૂર્વક ધરપકડ કરી લીધી છે.

બસ ચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો

બેદરકારીભર્યું ડ્રાઇવિંગ અને મુસાફરોના મોત, ઈજાઓ પહોંચાડવા બદલ આણંદ ગ્રામ્ય પોલીસે આરોપી બસ ચાલક રાજુસિંહ ચૌહાણ સામે કાયદેસરનો ગુનો દાખલ કર્યો છે. પોલીસે આરોપીની અટકાયત કરી અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા તથા બસની સ્થિતિ અંગે વધુ તપાસ હાથ ધરી છે. પાંચ લોકોના મોત નિપજાવનાર ડ્રાઈવર ઝડપાઈ જતાં મૃતકોના પરિજનોએ રાહતનો શ્વાસ લીધો છે.