Anand accident news: આણંદ જિલ્લાના તારાપુર નજીક આવેલા ફતેપુરા ગામ પાસે એક અકસ્માતની ઘટના સામે આવી છે. રોડની સાઈડમાં ઉભેલી એક ટ્રક પાછળ પૂરપાટ ઝડપે આવી રહેલો કેરી ભરેલો ટેમ્પો ઘૂસી જતાં ચાર લોકોના ઘટનાસ્થળે જ કમકમાટીભર્યા મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય પાંચ લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
કામે જતા શ્રમિકો કાળનો કોળિયો બન્યા
આ અંગે મળતી વિગત અનુસાર, કેરી ભરેલો ટેમ્પો રોડની સાઈડમાં ઉભેલા એક ટ્રક પાછળ ઘૂસી ગયો હતો. આ બનાવમાં ટેમ્પોમાં સવાર શ્રમિકો કાળનો કોળિયો બન્યા છે. અકસ્માતમાં ભોગ બનનાર મૃતકો દાહોદ જિલ્લાના શ્રમિકો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતકોમાં બે મહિલાઓ અને એક બાળકનો પણ સમાવેશ થાય છે.
ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
આ ગોઝારો અકસ્માત સર્જાતા જ આસપાસના લોકોના ટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયેલા પાંચ લોકોને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. હાલમાં પોલીસ કાફલાએ સમગ્ર મામલે ઊંડાણપૂર્વક તપાસ કામગીરી હાથ ધરી છે.
સ્થાનિકોનો હાઈવે ઓથોરિટી સામે રોષ
આ દુર્ઘટના બાદ સ્થાનિક લોકો દ્વારા હાઈવે ઓથોરિટીની બેદરકારીને લઈને મોટા સવાલો ઉભા કરવામાં આવ્યા છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, આ સ્થળ પર અકસ્માત ઝોનનું કોઈ જ સાઈન બોર્ડ લગાવવામાં આવ્યું નહોતું, જેના કારણે વાહનચાલકોને ચેતવણી મળતી નથી, અને આવા જીવલેણ બનાવો બને છે.
