Anand Visa Scam: આણંદ શહેરમાં વિદેશ જવાના ઘેલાનો ગેરલાભ ઉઠાવી નિર્દોષ નાગરિકોને પોતાની જાળમાં ફસાવતી ઠગ ટોળકી સામે આણંદ ટાઉન પોલીસે સકંજો મજબૂત કર્યો છે. યુરોપ, યુકે અને દુબઈ જેવા દેશોમાં વર્ક પરમિટ તથા વિઝા અપાવવાની મોટી લાલચ આપીને 28 જેટલા લોકો પાસેથી રૂ. 1 કરોડથી વધુની માતબર રકમ પડાવી લેવાના ગંભીર ગુનામાં લાંબા સમયથી નાસતા-ફરતા આરોપી નંદકુમાર ઉકાણીને પોલીસે દબોચી લીધો છે.
28 લોકો સાથે 1 કરોડથી ઠગાઈ
પ્રાપ્ત વિગતો અનુસાર, કૌભાંડીઓએ વિદેશમાં સ્થાયી થવા અને રોજગારી મેળવવા ઈચ્છતા બેરોજગાર યુવાનો તથા તેમના પરિવારજનોને લક્ષ્ય બનાવ્યા હતા. આરોપીઓએ યુરોપ અને દુબઈના વર્ક પરમિટ વિઝા અપાવવાની ખાતરી આપીને 28 જેટલા અરજદારો પાસેથી કરોડો રૂપિયા એડવાન્સ પેટે ઉઘરાવી લીધા હતા. સમય વીતવા છતાં ન તો કોઈને વિઝા મળ્યા કે ન તો તેમના નાણાં પરત આપવામાં આવ્યા. પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થતાં ભોગ બનનારાઓએ આણંદ ટાઉન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.
નાણાકીય વહીવટ સંભાળતો આરોપી ફરાર
આ કૌભાંડમાં અગાઉ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કરીને મુખ્ય 2 આરોપીઓ—જે 'બંટી-બબલી'ની જોડી તરીકે ઓળખાતા હતા. તેમની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. જોકે, મુખ્ય સૂત્રધારોને નાણાકીય ગેરરીતિમાં મદદગારી કરનાર અને આર્થિક વ્યવહારો સંભાળનાર નંદકુમાર ઉકાણી સતત પોલીસને હાથતાળી આપીને ફરાર થઈ ગયો હતો.
બાતમીને આધારે આરોપી ઝડપાયો
આણંદ ટાઉન પોલીસની ટીમે ચોક્કસ બાતમીના આધારે સચોટ ઓપરેશન પાર પાડીને આખરે ફરાર નંદકુમારને ઝડપી પાડ્યો છે. પોલીસ દ્વારા આરોપીને સ્થાનિક અદાલતમાં રજૂ કરવામાં આવતાં કોર્ટે તેના 2 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન પોલીસે વિવિધ દિશાઓમાં સઘન પૂછપરછ શરૂ કરી છે.
આણંદ પોલીસે લોકોને કરી અપીલ
આ તપાસમાં ઠગાઈના નાણાં ક્યાં અને કોના ખાતામાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે, આ કૌભાંડનો શિકાર બનેલા અન્ય કેટલા લોકો છે તથા આ ગેંગમાં અન્ય કયા મોટા માથાંઓ સામેલ છે. તે તમામ મુદ્દાઓ પરથી પરદો ઊંચકાય તેવી શક્યતા છે. આણંદ પોલીસે આ ઘટના બાદ નાગરિકોને એજન્ટોની લાલચમાં આવ્યા વગર અધિકૃત સરકારી માધ્યમો દ્વારા જ વિદેશ જવાની પ્રક્રિયા કરવાની અપીલ કરી છે.
