Anand News:ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ તથા પંચાયતી રાજ બાબતોના માનનીય કેન્દ્રીય મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે 18 સપ્ટેમ્બર, 2026ના રોજ આણંદમાં NDDB ખાતે ડેરી સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવા માટે ખેડૂતોને કેન્દ્રમાં રાખતી ચાર નવી પહેલ લૉન્ચ કરી હતી. તેમની સાથે ભારત સરકારના મત્સ્યોદ્યોગ, પશુપાલન અને ડેરીઉદ્યોગ તથા પંચાયતી રાજ બાબતોના રાજ્ય કક્ષાના કેન્દ્રિય મંત્રી પ્રો.એસપી સિંહ બઘેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
મધર ડેરી (NDDBની સંપૂર્ણ માલિકીની પેટાકંપની)ના 10 ગ્રામ બટર ચિપલેટ્સ, જે બટર કેટેગરીમાં તેની હાજરીને વધુ મજબૂત બનાવશે, NDDB દ્વારા વિકસાવવામાં આવેલી મિલ્ક એડલ્ટરેશન ડિટેક્શન કિટ્સ (NDDBની સંપૂર્ણ માલિકીની પેટાકંપની NDDB કાફ લિમિટેડ દ્વારા ઉત્પાદિત), જે ભેળસેળયુક્ત પદાર્થોની સરળતાથી અને ઓછા ખર્ચે ચકાસણી કરવાનું શક્ય બનાવશે; લિથિયમ-આયન બેટરીથી સંચાલિત 300 લિટરની મોબાઇલ મિલ્ક કલેક્શન એન્ડ કૂલિંગ સિસ્ટમ, જેમાં IOT મોનિટરિંગની સુવિધા છે અને જેને એનડીડીબી દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે (NDDBની સંપૂર્ણ માલિકીની પેટાકંપની IDMC લિમિટેડ દ્વારા ઉત્પાદિત).
આ સિસ્ટમ ગ્રામ્ય વિસ્તારોમાં દૂધનું સીધું એકત્રીકરણ કરવા માટે તૈયાર કરવામાં આવી છે અને તેમાં દૂધનું વજન કરવાની, ગુણવત્તાની ચકાસણી તથા રસીદ જનરેટ કરવાની સુવિધા છે. દર્પણ – NDDB ખાતે અમલમાં મૂકવામાં આવી રહેલી ઇન્ટીગ્રેટેડ ડૉક્યુમેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ છે.
NDDB દ્વારા કરવામાં આવી રહેલી કામગીરીની પ્રશંસા કરતાં રાજીવ રંજન સિંહ ઉર્ફે લલ્લન સિંહે જણાવ્યું હતું કે, ભારત હવે વિશ્વનો સૌથી મોટો દૂધ ઉત્પાદક દેશ છે પરંતુ ભારત સામે સંગઠિત બજારનો હિસ્સો વધારવાનો તેમજ દૂધ અને દૂધની બનાવટોની ગુણવત્તાની ખાતરી કરવાના પડકારો રહેલા છે. ઉલ્લેખનીય છે કે, જાહેર સ્વાસ્થ્ય માટે ગુણવત્તાયુક્ત દૂધ અત્યંત મહત્વપૂર્ણ છે. માનનીય કેન્દ્રીય મંત્રીએ એનડીડીબીની આ ચારેય નવી પહેલની પ્રશંસા કરી હતી અને ખાસ કરીને મધર ડેરીના 10 ગ્રામ બટર ચિપલેટ્સ તથા મિલ્ક એડલ્ટરેશન ડિટેક્શન કિટ્સ અને મોબાઇલ મિલ્ક કલેક્શન એન્ડ કૂલિંગ સિસ્ટમનું મોટા પાયે અને વ્યાવસાયિક ધોરણે અમલીકરણ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
NDDBના ચેરમેન ડૉ. મીનેશ શાહે જણાવ્યું હતું કે આજનો કાર્યક્રમ ડેરી ક્ષેત્ર પ્રત્યે એનડીડીબીની કટિબદ્ધતાને ઉજાગર કરે છે, જેમાં ખેડૂતોને સહયોગ પૂરો પાડવા અને સહકારી ચળવળને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે. આણંદ સ્થિત એનડીડીબી ખાતે માનનીય કેન્દ્રીય મંત્રીઓની ઉપસ્થિતિ નોંધપાત્ર છે, કારણ કે તેમના માર્ગદર્શનથી પશુપાલન અને ડેરી સહકારી ક્ષેત્રને મજબૂત બનાવવામાં મદદ મળશે.
પ્રો. એસપી સિંહ બઘેલે જણાવ્યું હતું કે, પશુપાલન અને ડેરી વિભાગને કૃષિ મંત્રાલયથી અલગ કરીને સ્વતંત્ર એકમ બનાવવામાં આવ્યું હતું, જેના પગલે ખેડૂતોની આવક બમણી કરવાના લક્ષ્યને સાકાર કરવાનો માર્ગ મોકળો થયો છે. તેમણે જણાવ્યું હતું કે દૂધના ઉત્પાદનમાં ભારત વિશ્વમાં પ્રથમ ક્રમે છે.
