Anand Ranak Girls Hostel News: થોડા સમય અગાઉ રાણક ગર્લ્સ હોસ્ટેલમાં પીરસવામાં આવેલા ખરાબ ભોજનના કારણે અંદાજે 60 જેટલી વિદ્યાર્થિનીઓની તબિયત અચાનક લથડી હતી, જેને પગલે તેમને તાત્કાલિક ધોરણે હોસ્પિટલ ખસેડવી પડી હતી. આ ગંભીર ઘટનાની નોંધ લઈને આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે CVM સંચાલિત આ હોસ્ટેલના કિચન પર આકસ્મિક દરોડા પાડી તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન કિચનમાં સ્વચ્છતાનો સંપૂર્ણ અભાવ જોવા મળ્યો હતો. રસોડામાં બટાટા ફૂગવાળા અને સડેલા હાલતમાં મળી આવ્યા હતા, જ્યારે કોકોનટ પાવડર પણ એક્સપાયરી ડેટ વટાવી ચુકેલો હતો. આ ઉપરાંત ગોળ ખુલ્લામાં રાખવામાં આવ્યો હતો, એક્ઝોસ્ટ ફેન ઓઇલથી ખરડાયેલો હતો, કર્મચારીઓ પાસે ફિટનેસ સર્ટિફિકેટ નહોતા અને ડ્રેનેજ લાઈન પણ ખુલ્લી જોવા મળી હતી. આ તમામ ગંભીર બેદરકારી બદલ મનપા દ્વારા તે સમયે કિચનને તાત્કાલિક અસરથી સીલ કરી દેવામાં આવ્યું હતું.
માત્ર એક સપ્તાહમાં બે વખત ભોજનમાંથી જીવાત નીકળતા હોબાળો
તંત્ર દ્વારા અગાઉ માત્ર રસોઈયાની બદલી કરીને સંતોષ માની લેવામાં આવ્યો હતો, પરંતુ પરિસ્થિતિમાં કોઈ સુધારો થયો નહોતો. રસોઈયો બદલાયાના માત્ર એક જ અઠવાડિયાની અંદર ફરીથી પીરસવામાં આવેલા ભોજનમાંથી જીવજંતુઓ અને જીવાત નીકળવાની ઘટના સામે આવી છે. આ સતત બીજી વખત બનેલી ઘટનાથી વિદ્યાર્થિનીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને હોસ્ટેલ પરિસરમાં ઉગ્ર વિરોધ તથા હોબાળો મચી ગયો હતો.
'રસોઈયો બદલાયો, પણ વેન્ડર એ જ' - વિદ્યાર્થિનીઓ અને ABVPના આક્ષેપો
વિદ્યાર્થિનીઓએ આક્ષેપ કર્યો છે કે હોસ્ટેલ સંચાલકો માત્ર દેખાડા પૂરતા ફેરફાર કરી રહ્યા છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) આ મામલે મેદાને આવી ગઈ છે અને ગંભીર આરોપ લગાવ્યો છે કે રસોઈયો બદલાયો હોવા છતાં ભોજન પૂરો પાડતો મુખ્ય કોન્ટ્રાક્ટર (વેન્ડર) બદલવામાં આવ્યો નથી. વેન્ડર તે જ હોવાના કારણે ગુણવત્તા વગરનું, સડેલા શાકભાજીવાળું અને જીવાતયુક્ત ભોજન પીરસવાનો સિલસિલો અવિરત ચાલુ રહ્યો છે.
ABVPની ઉગ્ર માંગ: રેક્ટર રાજીનામું આપે
જમવામાં ફરીવાર જીવાત નીકળવાની ઘટના સામે આવતા જ ABVPના કાર્યકરો અને મોટી સંખ્યામાં રોષે ભરાયેલી વિદ્યાર્થિનીઓએ હોસ્ટેલ ખાતે ઉગ્ર પ્રદર્શન કર્યું હતું. ભોજન વ્યવસ્થામાં વ્યાપ્ત આ બેજવાબદાર વલણ સામે કડક કાર્યવાહીની માંગણી કરવામાં આવી છે. આંદોલનકારીઓએ રાણક ગર્લ્સ હોસ્ટેલના રેક્ટરના તાત્કાલિક રાજીનામાની અને આ ગંભીર બેદરકારી માટે જવાબદાર તમામ કર્મચારીઓ સામે દાખલારૂપ પગલાં લેવાની સખત માગ ઉઠાવી છે.
વિદ્યાર્થિનીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર ચેડાં
વારંવાર બનતી આવી ઘટનાઓથી હોસ્ટેલમાં રહીને ઉચ્ચ અભ્યાસ કરતી અસંખ્ય દીકરીઓના સ્વાસ્થ્ય સામે જોખમ ઊભું થયું છે. તંત્ર અને સંચાલકોની કુંભકર્ણ નિંદ્રા સામે વાલીઓમાં પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જો આગામી દિવસોમાં આ મામલે કોઈ કાયમી અને સંતોષકારક પગલાં નહીં ભરાય, તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી વિદ્યાર્થી સંગઠનો દ્વારા આપવામાં આવી છે.
