વાસદ પાસે અમદાવાદ-મુંબઇ નેશનલ હાઇવે પર રોડ મેઇન્ટેનન્સની કામગીરી, મોડી રાત્રે ટ્રાફિક જામ સર્જાયો

ટ્રાફિક જામની સીધી અસર વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વાપી અને મુંબઈ તરફ જતા વાહનચાલકો પર પડી હતી. અનેક મુસાફરો પોતાના સ્થાને સમયસર પહોંચી શક્યા નહોતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Wed, 25 Nov 2026 11:05 AM (IST)Updated: Wed, 25 Nov 2026 11:05 AM (IST)
ahmedabadmumbai-highway-traffic-jam-near-vasad-due-to-road-maintenance

Anand News: અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવે પર મોડી રાત્રે વાસદ નજીક ભારે ટ્રાફિક જામ સર્જાતા વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. વાસદ ટોલ પ્લાઝાથી શરૂ કરીને મહી નદી પર આવેલા વાસદ બ્રિજ સુધી આશરે એક કિલોમીટર લાંબી વાહનોની કતારો લાગી ગઈ હતી. મોડી રાત્રે અચાનક સર્જાયેલા આ ટ્રાફિક જામને કારણે દૂર-દૂરથી આવતા મુસાફરો અને માલવાહક વાહનોના ચાલકો કલાકો સુધી રસ્તા પર અટવાઈ પડ્યા હતા.

રોડના મેઇનટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી

મળતી પ્રાથમિક વિગતો અનુસાર, નેશનલ હાઈવે પર રોડના મેઇનટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કામગીરી દરમિયાન ટ્રાફિક નિયમન અને ડાયવર્ઝનના યોગ્ય આયોજનના અભાવે વાહનોની ગતિ ધીમી પડી હતી અને જોતજોતામાં વાસદ ટોલ પ્લાઝાથી મહી નદીના બ્રિજ સુધી વાહનો થંભી ગયા હતા. મોડી રાત્રીનો સમય હોવા છતાં ભારે અને હળવા વાહનોની સતત અવરજવર રહેતી હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ ગંભીર બની હતી.

ટ્રાફિક જામ સર્જાતા વાહનોની લાંબી કતારો લાગી હતી

આ ટ્રાફિક જામની સીધી અસર વડોદરા, ભરૂચ, સુરત, નવસારી, વાપી અને મુંબઈ તરફ જતા વાહનચાલકો પર પડી હતી. અનેક મુસાફરો પોતાના સ્થાને સમયસર પહોંચી શક્યા નહોતા. ખાસ કરીને માલસામાન ભરેલા ટ્રકો અને મુસાફર બસોની લાંબી લાઈનો લાગતા હાઈવે પર વાહનોની ધીમી ગતિએ મુસાફરોની ધીરજની કસોટી કરી હતી. કેટલાક વાહનચાલકોએ વૈકલ્પિક માર્ગોનો વિચાર કરવા છતાં, હાઈવેના સાંકડા અને વ્યસ્ત પટ્ટા પર ફસાઈ જવાને કારણે આગળ વધવું મુશ્કેલ બન્યું હતું.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ-મુંબઈ નેશનલ હાઈવેના આ પટ્ટા પર અવારનવાર ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળે છે. ક્યારેક સમારકામ અને મેઇનટેનન્સની કામગીરી તો ક્યારેક વાહનોના વધતા ભારણને કારણે વાહનચાલકોએ વારંવાર ટ્રાફિકની સમસ્યાનો ભોગ બનવું પડે છે. સ્થાનિક વાહનચાલકો અને નિયમિત મુસાફરોમાં એવી માંગ ઉઠી છે કે ભવિષ્યમાં જ્યારે પણ રોડ મેઇનટેનન્સ કે સમારકામની કામગીરી કરવામાં આવે, ત્યારે અગાઉથી યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા, સ્પષ્ટ સંકેત બોર્ડ અને પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવે, જેથી મુસાફરોને બિનજરૂરી મુશ્કેલી ન વેઠવી પડે.