Rajula News: રાજુલાની ધાતરવડી નદીમાં ડૂબેલા 3 સગા ભાઈ સહિત 4 યુવકોના મૃતદેહ 48 કલાક બાદ મળ્યા

મંગળવારે બપોરે ચાર યુવકો ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં નાહવા ગયા હતા, ત્યારે પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા તેઓ ડૂબી ગયા હતા.

By: Rakesh ShuklaEdited By:Rakesh ShuklaPublish Date: Thu, 30 Oct 2025 01:15 PM (IST)Updated: Thu, 30 Oct 2025 01:15 PM (IST)
rajula-dhatarvadi-river-4-drowned-youths-recovered-after-48-hours

Rajula Dhatarvadi River: રાજુલાના ધારેશ્વર ગામ નજીક ધાતરવડી નદીમાં મંગળવા 28 ના રોજ નાહવા ગયેલા ત્રણ સગા ભાઈઓ સહિત ચાર યુવકો ડૂબી જવાની કરૂણાંતિકા સર્જાઈ હતી. ભારે પ્રવાહ અને પથ્થરોને કારણે રેસ્ક્યૂ ઓપરેશનમાં મુશ્કેલી પડી હતી, પરંતુ 48 કલાકની સઘન શોધખોળ બાદ આજે વહેલી સવારે ચારેય યુવકોના મૃતદેહ મળી આવતાં સમગ્ર પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

મંગળવારે બપોરે ચાર યુવકો ધારેશ્વર ગામની ધાતરવડી નદીમાં નાહવા ગયા હતા, ત્યારે પાણીના પ્રવાહનો અંદાજ ન આવતા તેઓ ડૂબી ગયા હતા.ઘટનાની જાણ થતાં ગ્રામજનો, ફાયર ટીમ, પોલીસ કાફલો, મામલતદાર અને ધારાસભ્ય હીરા સોલંકી સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા, પરંતુ મોડી રાત સુધી એક પણ યુવકનો પત્તો લાગ્યો નહોતો.

આજે વહેલી સવારે લગભગ 48 કલાકની સઘન શોધખોળ બાદ ડૂબેલા બાકીના બે યુવકો – કાનાભાઈ પરમાર અને ભરત ખીમાભાઈ પરમાર (જેઓ મેરામ ખીમાભાઈ પરમારના સગા ભાઈ હતા) ના મૃતદેહ મળી આવ્યા હતા. એક જ પરિવારના ત્રણ સગા ભાઈઓ સહિત ચાર યુવકોના કરૂણ મોતથી ધારેશ્વર ગામમાં ગમગીની છવાઈ ગઈ છે.

ગઇકાલે બે અને આજે બે મૃતદેહો મળ્યા

રાજુલા તાલુકાના ધારેશ્વર ગામ પાસે ધાતરવડી નદીમાં મંગળવારે નહાવા ગયેલા ત્રણ સગા ભાઈઓ સહિત કુલ ચાર યુવાનો ડૂબી જવાની કરુણ ઘટના બની હતી. આ ઘટના બાદ ગુમ થયેલા યુવાનોની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. જેમાં બુધવારે સવારે મેરામ ખીમાભાઇ પરમાર અને બપોર બાદ પીન્ટુભાઇ વાઘેલાના મૃતદેહ મળી આવ્યા હતા. ત્યારબાદ આજે વહેલી સવારે ફરીથી ચલાવવામાં આવેલી શોધખોળ દરમિયાન કાનાભાઈ પરમાર અને ભરત ખીમાભાઇ પરમાર નામના અન્ય બે યુવકોના મૃતદેહ પણ મળી આવતા, નદીમાં ડૂબી ગયેલા તમામ ચાર યુવાનોના મૃતદેહ શોધી કાઢવામાં આવ્યા છે.

હીરા સોલંકીએ પણ નદીમાં ડૂબકી લગાવી શોધખોળ કરી હતી

ઉલ્લેખનીય છેકે, મંગળવારે નદીમાં ત્રણ સગાભાઇઓ સહિત ચાર યુવકો ડુબી ગયા હતા. ધાતરવડી નદીમાં ચાર યુવકો ડૂબ્યા હોવાની જાણ થતાં ધારાસભ્ય હીરા સોલંકી પહોંચ્યા હતા. ધારાસભ્ય અને તંત્રની ટીમે સઘન પ્રયાસો કર્યા હતા, જેમાં ધારાસભ્યએ પોતે પણ નદીમાં ડૂબકી લગાવી હતી. જોકે, તેમના પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા.

ધારાસભ્યએ જણાવ્યું કે ઘટનાની જાણ થતાં જ તેઓ તુરંત સ્થળ પર પહોંચ્યા હતા અને તરવૈયાઓની આખી ટીમ પણ બચાવ કાર્યમાં જોડાઈ હતી. તેમણે પીડિત પરિવારો પ્રત્યે ઊંડી સંવેદના વ્યક્ત કરી હતી અને તમામને સહીસલામત શોધવાના પ્રયાસો ચાલુ હોવાનું આશ્વાસન આપ્યું હતું. બુધવારે પણ ધારાસભ્ય હીરા સોલંકીએ ઘટનાસ્થળની મુલાકાત લઈને પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.